વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે ઘર મળી રહ્યું છે. જાણો ગુજરાતમાં PMAYની સિદ્ધિઓ અને નવા પ્રોજેક્ટ્સ વિશે.

અમદાવાદ, શુક્રવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ લાખો પરિવારોનું ‘પોતાનું ઘર’નું સપનું સાકાર થયું છે. આ યોજનાએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના જીવનમાં આશાનું નવું કિરણ ફેલાવ્યું છે.
તાજેતરમાં, વડાપ્રધાન મોદીએ અમદાવાદના નિકોલ ખાતેથી 133.42 કરોડના ખર્ચે બનેલા 1,449 આવાસો અને 130 દુકાનોનું લોકાર્પણ કર્યું. આ પ્રોજેક્ટ ઇન-સિટુ સ્લમ રી-ડેવલપમેન્ટ હેઠળ અમદાવાદના રામાપીરના ટેકરા વિસ્તારમાં રહેતા પરિવારો માટે તૈયાર કરવામાં આવ્યો છે. અહીં રહેતા પરિવારોને આધુનિક સુવિધાઓ સાથે નવા મકાનો મળશે, જે તેમના જીવનધોરણમાં સુધારો લાવશે.
ગુજરાતમાં આવાસ યોજનાની સિદ્ધિઓ
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે 9.66 લાખથી વધુ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. તેમાંથી 9.07 લાખથી વધુ આવાસોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જે એક મોટી સિદ્ધિ છે. આ પ્રોજેક્ટની સફળતા માટે ગુજરાતને કેન્દ્ર સરકાર તરફથી 2019માં 6 અને 2022માં 7 એવોર્ડ પણ મળ્યા છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ પણ ગુજરાતમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. વર્ષ 2016-17થી 2024-25 સુધીમાં 8,43,168 આવાસોના લક્ષ્યાંક સામે 6,00,932 આવાસોનું નિર્માણ પૂર્ણ થયું છે. આ યોજના હેઠળ, નાણાકીય વર્ષ 2025-26થી લાભાર્થીઓને 50,000ની વધારાની સહાય પણ આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 34,759 લાભાર્થીઓને આ સહાયનો લાભ મળ્યો છે.
વધારાની સહાય યોજનાઓ
ગુજરાત સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ માટે કેટલીક પ્રોત્સાહક યોજનાઓ પણ શરૂ કરી છે:
મુખ્યમંત્રી પ્રોત્સાહક સહાય યોજના: જે લાભાર્થીઓ 6 મહિનાની અંદર પોતાનું મકાન પૂર્ણ કરે છે, તેમને 20,000ની વધારાની સહાય મળે છે.
બાથરૂમ બાંધકામ સહાય: મહિલા સભ્યોને ધ્યાનમાં રાખીને, બાથરૂમના બાંધકામ માટે 5000ની વધારાની સહાય પૂરી પાડવામાં આવે છે.
આ ઉપરાંત, આ યોજનાના લાભાર્થીઓને મનરેગા હેઠળ 90 દિવસની રોજગારી પેટે 25,920 અને સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલયના બાંધકામ માટે 12,000 પણ મળે છે.
ગુજરાતનો લાઈટ હાઉસ પ્રોજેક્ટ
ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી ચેલેન્જ (GHTC) હેઠળ દેશભરના 6 રાજ્યોમાં લાઇટ હાઉસ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ શહેરમાં 1,144 આવાસોનું નિર્માણ અદ્યતન ટનલ ફોર્મવર્ક ટેક્નોલોજીથી કરવામાં આવ્યું છે, જે બાંધકામને વધુ ઝડપી અને મજબૂત બનાવે છે.











