ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના આદેશ બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ કાળા કાચ (બ્લેક ફિલ્મ) અને નિયમ વિરુદ્ધની નંબર પ્લેટવાળા વાહનો સામે વિશેષ ડ્રાઇવ શરૂ કરશે. જાણો નવા નિયમો અને કાર્યવાહીની સંપૂર્ણ વિગતો.

ગાંધીનગર, રવિવાર
જો તમે તમારી ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ લગાવીને કે પછી નંબર પ્લેટ પર સ્ટાઇલિશ લખાણ લખાવીને ફરો છો, તો હવે સાવધાન થઈ જજો. રાજ્યની ટ્રાફિક પોલીસ ટૂંક સમયમાં જ આવા વાહનચાલકો સામે એક વિશેષ ડ્રાઇવ શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ આ મામલે કડક વલણ અપનાવતા ટ્રાફિક વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે.
શા માટે લેવાઈ રહ્યો છે આ નિર્ણય?
રાજ્યમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ ઘટાડવા અને લોકોની સુરક્ષા વધારવાના હેતુથી વર્ષ 2018 માં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીની સ્થાપના કરવામાં આવી હતી. ઓથોરિટીના ધ્યાનમાં આવ્યું છે કે રાજ્યના રસ્તાઓ પર હજુ પણ મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક નિયમોનો ભંગ કરતા જોવા મળે છે. ખાસ કરીને, ગાડીઓ પર કાળા કાચ અને “કાળો નાગ,” “રામા ધણી,” કે અન્ય કોઈ ફેન્સી લખાણવાળી નંબર પ્લેટનો ઉપયોગ બેફામ રીતે થઈ રહ્યો છે.
આવા વાહનો ઘણીવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં વપરાય છે. એટલું જ નહીં, જ્યારે કોઈ અકસ્માત સર્જાય, ત્યારે ‘હિટ એન્ડ રન’ જેવા કિસ્સાઓમાં આવા વાહનોને ઓળખવા ખૂબ મુશ્કેલ બની જાય છે. પરિણામે, પીડિત પરિવારને વીમો કે વળતર મેળવવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
રોડ સેફ્ટી કમિશનરે લખ્યો પોલીસ વડાને પત્ર
આ ગંભીરતાને ધ્યાનમાં લેતા, રોડ સેફ્ટી ઓથોરિટીના કમિશનર સતીશ પટેલે રાજ્યના ટ્રાફિક પોલીસ વડાને પત્ર લખીને કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે કાળા કાચ, નિયમ વિરુદ્ધની નંબર પ્લેટ અને કોઈપણ પ્રકારના ગેરકાયદેસર લખાણવાળા વાહનો સામે ઝુંબેશ ચલાવવામાં આવે. સચિવાલય અને પોલીસ ભવન જેવા વિસ્તારોમાં પણ આ નિયમોનું કડકાઈથી પાલન કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
ટ્રાફિક પોલીસની નવી ડ્રાઇવ શરૂ થશે
આ અંગે રાજ્ય ટ્રાફિક પોલીસના એસપી સાહિત્યા વીએ જણાવ્યું કે, ઓવર સ્પીડિંગ, બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ અંગેની કાર્યવાહી એ અમારી નિયમિત કામગીરીનો જ એક ભાગ છે. પરંતુ હવે રોડ સેફ્ટી ઓથોરિટી તરફથી પત્ર મળ્યા બાદ અમે આ મુદ્દે વધારાની કામગીરી કરીશું અને એક નવી ટ્રાફિક ડ્રાઇવ શરૂ કરીશું.
શું કાયદાનો ડર ઓછો થઈ રહ્યો છે?
એક મોટો સવાલ એ પણ છે કે જો આ કાર્યવાહી પહેલેથી જ નિયમિત રીતે થતી હોય, તો આજે પણ રસ્તાઓ પર આટલી મોટી સંખ્યામાં નિયમભંગ કરનારાઓ કેમ જોવા મળે છે? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? નાગરિકો એવી અપેક્ષા રાખી રહ્યા છે કે આ નવી ટ્રાફિક ડ્રાઇવ માત્ર થોડા દિવસો પૂરતી મર્યાદિત ન રહે, પરંતુ સતત અને કડક અમલીકરણ દ્વારા આવા વાહનો પર કાયમ માટે રોક લગાવવામાં આવે.











