ગુજરાતમાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’નો સપાટો: 501 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની ધરપકડ, અમદાવાદમાં સૌથી વધુ દરોડા

ગુજરાતમાં ગેરકાયદેસર વસતા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ 501 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જાણો પોલીસની આ મોટી કાર્યવાહીની તમામ વિગતો.

અમદાવાદ, ગુરુવાર
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા વિદેશી નાગરિકોને શોધી કાઢવા માટે રાજ્ય પોલીસે આદરેલું ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હવે તેના અત્યંત નિર્ણાયક તબક્કે પહોંચી ગયું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિત રાજ્યની વિવિધ સુરક્ષા એજન્સીઓએ હાથ ધરેલા આ મેગા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં કુલ 501 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

આંકડાકીય માહિતી: અમદાવાદમાં સૌથી વધુ અસર
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત સાંજ સુધીમાં આ આંકડો 365 હતો, જે આજે વધીને 501 પર પહોંચ્યો છે. સૌથી વધુ કાર્યવાહી અમદાવાદમાં જોવા મળી છે, જ્યાં પકડાયેલા બાંગ્લાદેશીઓની સંખ્યા 166થી વધીને 192 થઈ છે. હજુ પણ અંદાજે 100 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ ચાલી રહી છે.

પકડાયેલા લોકોમાં કોણ કોણ સામેલ?
પોલીસ પાસે ઉપલબ્ધ લિસ્ટ મુજબ, આ ગેરકાયદેસર નાગરિકોમાં માત્ર મજૂરો જ નહીં પરંતુ વેપારીઓનો પણ સમાવેશ થાય છે. જેમાં હિન્દુ અને મુસ્લિમ એમ બંને સમુદાયના લોકો છે. વિગતો મુજબ,,100થી વધુ મહિલાઓ, 30 જેટલા બાળકો, બાકીના પુરુષો છે.

નાણાં મોકલવાની મોડસ ઓપરેન્ડી અને એજન્ટોની જાળ
તપાસમાં બહાર આવ્યું છે કે, આ બાંગ્લાદેશીઓ ભારતમાં મજૂરી કે અન્ય કામ કરીને મેળવેલા નાણાં આંગડિયા પેઢી, ડિજિટલ પેમેન્ટ એપ્સ (જેમ કે Google Pay) દ્વારા બાંગ્લાદેશ મોકલતા હતા. ગત વર્ષે ઝડપાયેલા ‘લલ્લુ બિહારી’ જેવા એજન્ટોના નામ ફરી સપાટી પર આવ્યા છે, જેમને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે.

સ્પા સેન્ટરો અને વેશ્યાવૃત્તિ પર વોચ
પોલીસના જણાવ્યા અનુસાર, ઘણા બાંગ્લાદેશીઓ ભારતીય આધારકાર્ડ બનાવીને ટ્રેન મારફતે ગુજરાતમાં ઘૂસે છે. એકવાર અહીં આવ્યા બાદ પરત જઈ શકતા નથી, જેના કારણે કેટલીક મહિલાઓ વેશ્યાવૃત્તિના રવાડે ચઢે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ સ્પા સેન્ટરો અને શંકાસ્પદ એજન્ટોના ઠેકાણાઓ પર પોલીસની બાજ નજર છે.

ડિપોર્ટ કરવાની પ્રક્રિયા થશે ઝડપી
ઝડપાયેલા તમામ લોકોના ફિંગર પ્રિન્ટ લેવામાં આવી રહ્યા છે જેથી તેઓ ભૂતકાળમાં ક્યારેય પકડાયા હતા કે કેમ તેની વિગતો મળી રહે. અગાઉ 465 લોકોને ડિપોર્ટ (દેશનિકાલ) કરવામાં આવ્યા હતા. જોકે પહેલા આ પ્રક્રિયામાં સમય લાગતો હતો, પરંતુ હવે ટેકનોલોજી અને તંત્રની સજ્જતાને કારણે ડિપોર્ટ કરવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!