અમેરિકાએ વેનેઝુએલા પર એર સ્ટ્રાઈક કરીને રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કરી લીધી છે. ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે આ આખું ઓપરેશન કોઈ ‘ટીવી શો’ની જેમ લાઈવ જોયું હતું. જાણો માદુરોને કેવી રીતે પકડવામાં આવ્યા અને હવે આગળ શું થશે.

અમેરિકા, રવિવાર
અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેના તણાવમાં એક મોટો અને નાટ્યાત્મક વળાંક આવ્યો છે. અમેરિકન સેનાએ વેનેઝુએલાની રાજધાની કારાકાસ સહિત અનેક મહત્વના સૈન્ય મથકો પર ભીષણ એર સ્ટ્રાઈક કરી છે. આ કાર્યવાહી બાદ વેનેઝુએલાના રાષ્ટ્રપ્રમુખ નિકોલસ માદુરો અને તેમના પત્ની હવે અમેરિકન સેનાના કબજામાં છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે કહ્યું છે કે તેમણે આ આખું ઓપરેશન લાઈવ જોયું હતું.
ટ્રમ્પે કહ્યું – મેં બધું લાઈવ જોયું, જાણે કોઈ ટીવી શો હોય
ડોનાલ્ડ ટ્રમ્પે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે અમેરિકન સેના વેનેઝુએલામાં ઓપરેશન પાર પાડી રહી હતી, ત્યારે તેઓ ફ્લોરિડામાં આવેલા તેમના ‘માર-એ-લાગો’ રિસોર્ટમાં હતા. ટ્રમ્પે દાવો કર્યો કે તેમણે આ સૈન્ય કાર્યવાહીને રિયલ ટાઈમમાં જોઈ હતી.
તેમણે કહ્યું, “મેં ફ્લોરિડામાં બેઠા બેઠા વેનેઝુએલાના ગ્રાઉન્ડ પર થઈ રહેલા સૈનિકોના કોમ્યુનિકેશનને સાંભળ્યું. તે જોવું ખરેખર અદભુત હતું. આપણા સૈનિકો કેટલા પ્રોફેશનલ છે અને આપણી પાસે કેવા શાનદાર સાધનો છે, તે આ ઓપરેશનમાં દેખાઈ આવ્યું. માદુરોને પકડવાની ઘટનાનું સીધું પ્રસારણ જોવું એ કોઈ રોમાંચક ટીવી શો જોવા જેવું હતું.
ક્યાં અને કેવી રીતે થયા હુમલા?
અમેરિકન સેનાએ માત્ર રાજધાની કારાકાસ જ નહીં, પરંતુ મિરાંડા, અરગુઆ અને લા ગુઇરા જેવા રાજ્યોમાં પણ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાઓ બાદ વેનેઝુએલામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને રાષ્ટ્રપ્રમુખ માદુરોએ તાત્કાલિક નેશનલ ઈમરજન્સી જાહેર કરી દીધી હતી.
જોકે, અમેરિકન સેનાની કાર્યવાહી એટલી સચોટ હતી કે માદુરોને છટકવાની તક મળી નહીં. રિપોર્ટ મુજબ, જ્યારે માદુરો પકડાયા ત્યારે તેઓ એક મિલિટ્રી બેઝ પરના પોતાના ઘરમાં હતા.
4 દિવસ પહેલા જ બની ગઈ હતી યોજના
ટ્રમ્પે ખુલાસો કર્યો કે માદુરોને પકડવા અને એર સ્ટ્રાઈક કરવાની યોજના 4 દિવસ પહેલા જ તૈયાર કરી લેવામાં આવી હતી. જોકે, ખરાબ હવામાનને કારણે ઓપરેશન રોકવું પડ્યું હતું. ટ્રમ્પે કહ્યું, “અમે જે વિચાર્યું હતું તેના કરતા વાદળો વધારે હતા. હવામાન સાફ હોવું જરૂરી હતું. અમે 4 દિવસ રાહ જોઈ, અને જેવું હવામાન ચોખ્ખું થયું, અમે આદેશ આપ્યો કે – જાઓ. આ રાહ જોવી અમારા માટે ફાયદાકારક સાબિત થઈ.”
અમેરિકન સેના સુરક્ષિત, બાઈડેન પર સાધ્યું નિશાન
આ ઓપરેશનની સફળતા વર્ણવતા ટ્રમ્પે જણાવ્યું કે, આટલી મોટી કાર્યવાહીમાં અમેરિકન સેનાને કોઈ જાનહાનિ થઈ નથી. કેટલાક સૈનિકોને સામાન્ય ઈજા થઈ છે, પરંતુ કોઈનું મોત નથી થયું, જે એક મોટી સિદ્ધિ છે. આ તકે ટ્રમ્પે બાઈડેન સરકાર પર કટાક્ષ પણ કર્યો. તેમણે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસીના સમયને યાદ કરતા કહ્યું કે, “હવે આપણે દુનિયામાં હાંસીને પાત્ર નથી રહ્યા. આપણી સેનાએ પરફેક્શન સાથે કામ કર્યું છે.”
હવે માદુરોનું શું થશે?
સૌથી મોટો સવાલ એ છે કે હવે નિકોલસ માદુરોનું શું થશે? ટ્રમ્પના જણાવ્યા અનુસાર, માદુરો અને તેમના પત્ની સિલિયા એડેલા ફ્લોરેસને અમેરિકાના એક યુદ્ધજહાજ પર રાખવામાં આવ્યા છે. તેમને ન્યૂયોર્ક લાવવામાં આવશે, જ્યાં તેમના પર કાયદાકીય કેસ ચલાવવામાં આવશે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વેનેઝુએલાના ભવિષ્યને લઈને સક્રિય રહેશે અને કોઈના દબાણમાં આવશે નહીં. વેનેઝુએલાની સ્થિતિ પર હવે આખી દુનિયાની નજર મંડાયેલી છે.











