એક્સ અને ગ્રોકને કેન્દ્રની આકરી નોટિસ : 72 કલાકમાં અશ્લીલ કન્ટેન્ટ હટાવો, નહીં તો થશે કાનૂની કાર્યવાહી

કેન્દ્ર સરકારે એલન મસ્કના X (ટ્વિટર) અને Grok AIને 72 કલાકમાં અશ્લીલ-ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવા આકરી નોટિસ ફટકારી છે. મહિલાઓની ડીપફેક તસવીરો બનતી હોવાની ફરિયાદ બાદ મોટી કાર્યવાહીની તૈયારી. વાંચો સંપૂર્ણ ખબર.

નવી દિલ્હી, શનિવાર
ઈલોન મસ્કની કંપનીઓને ફરી એકવાર ભારત સરકારનો કડક સંદેશો મળ્યો છે. કેન્દ્રના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે X પ્લેટફોર્મ (પહેલાં ટ્વિટર) અને તેના AI ચેટબોટ Grokને સીધી નોટિસ મોકલીને કહ્યું છે કે તુરત અશ્લીલ અને ગેરકાયદેસર સામગ્રી હટાવો, નહીં તો આકરી કાનૂની કાર્યવાહી થશે.

સરકારે સ્પષ્ટ કહ્યું છે કે Grokનો દુરુપયોગ કરીને ઘણા યુઝર્સ અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી રહ્યા છે, ખાસ કરીને મહિલાઓની તસવીરો સાથે છેડછાડ કરીને ડીપફેક ઈમેજ બનાવવામાં આવે છે. આવું ચાલવા દેવામાં નહીં આવે.

નોટિસમાં મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે
તાત્કાલિક અસરથી તમામ અશ્લીલ અને ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવું.
72 કલાકની અંદર વિગતવાર રિપોર્ટ આપવો કે શું-શું પગલાં લીધાં.
કંપનીની કેટલીક પોલિસીઝ ભારતના IT કાયદાની વિરુદ્ધ છે, તેમાં ફેરફાર કરવો.
ફેક એકાઉન્ટ્સ બનાવવા પર અંકુશ નથી, તેના પર પણ તાત્કાલિક નિયંત્રણ લાવવું.

રાજ્યસભાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે Grokની મદદથી મહિલાઓની તસવીરોનો દુરુપયોગ થઈ રહ્યો છે, તેના પર તાત્કાલિક પગલાં લેવા જોઈએ. સંસદમાં પણ આ વિષય પર ચર્ચા થઈ ચૂકી છે.

કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે જો 72 કલાકમાં યોગ્ય પગલાં નહીં લેવાય અને રિપોર્ટ નહીં આપવામાં આવે તો ભારતીય IT એક્ટ હેઠળ સખત કાર્યવાહી કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે X અને Grok ભારતમાં બ્લોક પણ થઈ શકે છે.

હજુ સુધી X પ્લેટફોર્મ કે Grok તરફથી આ નોટિસ પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. પરંતુ દેશમાં વધતી ફરિયાદો અને મહિલા સુરક્ષાના મુદ્દે સરકાર હવે કડક વલણ અપનાવી રહી છે. આવનારા દિવસોમાં આ મામલે શું થાય છે તે જોવું રહ્યું.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!