Oscars 2025: ભારતની ભલામણ વગર જ કાંતારા ચેપ્ટર 1 અને તન્વી ઓસ્કારની રેસમાં! જાણો કઈ રીતે મળ્યું સ્થાન?

ભારતની ઓફિશિયલ એન્ટ્રી ન હોવા છતાં કાંતારા ચેપ્ટર 1 અને તન્વી: ધ ગ્રેટ ઓસ્કાર 2025ની રેસમાં સામેલ થઈ છે. જાણો જનરલ એન્ટ્રી અને ઓફિશિયલ એન્ટ્રી વચ્ચેનો તફાવત અને આ ફિલ્મો કઈ રીતે પસંદગી પામી.

મુંબઈ, શુક્રવાર
ભારતીય સિનેમા પ્રેમીઓ માટે 2025નું વર્ષ ખૂબ જ ખાસ સાબિત થઈ રહ્યું છે. બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કર્યા બાદ હવે ભારતીય ફિલ્મો ઓસ્કારમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. ખાસ વાત એ છે કે, ભારત સરકારે જે ફિલ્મોની ભલામણ નથી કરી, તેવી બે દમદાર ફિલ્મો પણ હવે ઓસ્કારની રેસમાં દોડવા માટે તૈયાર છે. આ ફિલ્મો છે ઋષભ શેટ્ટીની કાંતારા ચેપ્ટર 1 અને અનુપમ ખેરની તન્વી: ધ ગ્રેટ. ચાલો જાણીએ કે ઓફિશિયલ એન્ટ્રી ન હોવા છતાં આ ફિલ્મો ઓસ્કાર સુધી કેવી રીતે પહોંચી?

કાંતારા ચેપ્ટર 1: બોક્સ ઓફિસ બાદ હવે ઓસ્કાર પર નજર
કર્ણાટકની લોકકથાઓ પર આધારિત અને ઋષભ શેટ્ટી દ્વારા દિગ્દર્શિત ફિલ્મ કાંતારા ચેપ્ટર 1 2 ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી. માત્ર 125 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે પોતાના અદભૂત વિઝ્યુઅલ્સથી દર્શકોને અવાચક કરી દીધા હતા. વર્લ્ડ વાઈડ 850 કરોડથી વધુનું કલેક્શન કરીને આ ફિલ્મ 2025ની બીજી સૌથી મોટી ભારતીય ફિલ્મ બની ગઈ છે. ચાહકોની ઈચ્છા હતી કે આ ફિલ્મને ભારત તરફથી ઓસ્કારમાં મોકલવામાં આવે, પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ સત્તાવાર રીતે હોમબાઉન્ડ ફિલ્મને પસંદ કરી હતી. જોકે, હવે કાંતારા એ જનરલ કેટેગરી દ્વારા ઓસ્કારમાં એન્ટ્રી મારીને સૌને ચોંકાવી દીધા છે.

અનુપમ ખેરની તન્વી: ધ ગ્રેટ પણ મેદાનમાં
કાંતારાની સાથે સાથે અનુપમ ખેરની ફિલ્મ તન્વી: ધ ગ્રેટ પણ આ લિસ્ટમાં સામેલ થઈ છે. આ ફિલ્મમાં અનુપમ ખેરે માત્ર એક્ટિંગ જ નથી કરી પણ ડિરેક્શન પણ કર્યું છે. ફિલ્મની વાર્તા એક ઓટીઝમ ધરાવતી છોકરીની છે, જે પોતાના પિતાની જેમ સેનામાં જોડાઈને દેશ માટે શહીદ થાય છે. આ ફિલ્મને ક્રિટિક્સ અને દર્શકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને હવે તે પણ ઓસ્કારની રેસમાં છે.

ઓફિશિયલ એન્ટ્રી અને જનરલ એન્ટ્રી વચ્ચે શું છે તફાવત?
તમને થતું હશે કે ભારત સરકારે તો બીજી ફિલ્મ મોકલી છે, તો આ બે ફિલ્મો ત્યાં કેવી રીતે પહોંચી? તો ચાલો આ ગણિત સમજીએ.

ઓસ્કારમાં એક કેટેગરી હોય છે બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ. આમાં દરેક દેશ પોતાની એક ફિલ્મ સત્તાવાર રીતે મોકલે છે. જેમ કે ભારતે હોમબાઉન્ડ મોકલી છે. આ કેટેગરીમાં એવોર્ડ કોઈ ફિલ્મને નહીં પણ દેશને મળે છે. સ્ટેજ પર પણ ભારતનું નામ લેવાય છે. હોમબાઉન્ડ આ કેટેગરીમાં ટોપ 15માં શોર્ટલિસ્ટ થઈ ચૂકી છે. જનરલ એન્ટ્રી આ ઓસ્કારમાં જવાનો બીજો રસ્તો છે. આમાં ફિલ્મ મેકર્સ પોતે પોતાની ફિલ્મ ઓસ્કાર કમિટી (એકેડેમી) સામે રજૂ કરી શકે છે. આમાં શરત માત્ર એટલી છે કે ફિલ્મ ટેકનિકલ માપદંડો, થિયેટ્રિકલ રન અને RAISE ગાઈડલાઈન્સ પર ખરી ઉતરવી જોઈએ.

201 ફિલ્મોની યાદીમાં ભારતનો દબદબો
આ વર્ષે દુનિયાભરમાંથી કુલ 317 ફીચર ફિલ્મો એકેડેમી મેમ્બર્સના ધ્યાનમાં આવી છે. જેમાંથી 201 ફિલ્મો બેસ્ટ ફિલ્મ કેટેગરી માટે લાયક ગણવામાં આવી છે. આપણી કાંતારા ચેપ્ટર 1 અને તન્વી: ધ ગ્રેટ આ જ 201 ફિલ્મોના લિસ્ટમાં સામેલ છે. બેસ્ટ ફિલ્મ કેટેગરી એક ખુલ્લો ખેલ છે, જ્યાં જીતવા પર ફિલ્મનું નામ લેવાય છે, દેશનું નહીં.

ટૂંક સમયમાં યોજાનારા 98માં ઓસ્કાર એવોર્ડ્સમાં હવે ભારતની ત્રણ ફિલ્મો પર સૌની નજર રહેશે. એક તરફ ઓફિશિયલ એન્ટ્રી હોમબાઉન્ડ અને બીજી તરફ જનરલ એન્ટ્રી દ્વારા પહોંચેલી આ બે ફિલ્મો. હવે જોવું રહ્યું કે 2025માં ઓસ્કાર ભારત માટે શું ગુડ ન્યૂઝ લઈને આવે છે

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!