એશિયા કપ 2025 હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહ્યો છે, અને ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ટુર્નામેન્ટના ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે

એશિયા કપ 2025 હવે તેના રોમાંચક અંત તરફ આગળ વધી રહ્યો છે, અને ક્રિકેટ ચાહકો માટે સૌથી મોટા સમાચાર એ છે કે આ ટુર્નામેન્ટના ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાશે
પાકિસ્તાનની ટીમે સુપર-ફોર તબક્કામાં શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ૨૫ સપ્ટેમ્બર, ગુરુવારના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં પાકિસ્તાને ૧૧ રનથી રોમાંચક જીત મેળવી હતી.
આ મેચમાં બાંગ્લાદેશને જીતવા માટે ૧૩૬ રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તેમની ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૨૪ રન જ બનાવી શકી હતી. બાંગ્લાદેશ તરફથી શમીમ હુસૈન (૩૦ રન) સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યા હતા.
પાકિસ્તાન તરફથી બોલિંગમાં ફરી એકવાર તેના ફાસ્ટ બોલરો છવાઈ ગયા હતા. શાહીન આફ્રિદી અને હારિસ રઉફે સમાનરૂપે ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને બાંગ્લાદેશના બેટિંગ ક્રમને ધ્વસ્ત કરી દીધો હતો. સેમ અયૂબે બે અને મોહમ્મદ નવાઝે એક વિકેટ મેળવી હતી.
આ જીત સાથે પાકિસ્તાન ટીમે ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે ૨૮ સપ્ટેમ્બર, રવિવાર ના રોજ યોજાનારી ફાઇનલમાં તેનો મુકાબલો કટ્ટર હરીફ ભારત સાથે થશે. એશિયા કપના ૪૧ વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ અવસર હશે જ્યારે આ બે દિગ્ગજ ટીમો ટાઇટલ માટે ટકરાશે, જે ક્રિકેટ ચાહકો માટે એક યાદગાર દિવસ બની રહેશે.










