રક્ષાબંધનને લઈ ગીતા મંદિર ST સ્ટેન્ડ પર મુસાફરોનો ધસારો, તંત્રની વ્યવસ્થા સામે સવાલો

રક્ષાબંધન પર અમદાવાદના ગીતા મંદિર ST સ્ટેન્ડ પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો. જાણો તહેવારની રજાઓ અને વધારાની બસો હોવા છતાં લોકોને કેમ પડી રહી છે હાલાકી.

અમદાવાદ, શુક્રવાર
આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે જેને લઈ લોકો માદરે વતન જઈ રહ્યાં છે. ભાઈ-બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી કરવા માટે લોકો પોતાના વતન જવાની તૈયારી કરી રહ્યા છે. શહેરમાં ખરીદીનો માહોલ જામ્યો છે, ત્યારે અમદાવાદ શહેરના મુખ્ય એસટી સ્ટેન્ડ, એટલે કે ગીતા મંદિર પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. જાણે કે આખું સ્ટેન્ડ પેસેન્જરથી ઉભરાઈ રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

વધારાની બસો છતાં મુસાફરોને હાલાકી
દર વર્ષની જેમ, આ વર્ષે પણ રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત ST વિભાગે મુસાફરોની સુવિધા માટે 1200થી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ વ્યવસ્થા છતાં, ગીતા મંદિર ST સ્ટેન્ડ પર હજારોની સંખ્યામાં મુસાફરો કલાકો સુધી પોતાની બસની રાહ જોતા જોવા મળ્યા. દાહોદ, ગોધરા, ઝાલોદ, સુરત, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિવિધ શહેરો તરફ જતી બસો હાઉસફૂલ હતી. સપ્તાહના અંતમાં રવિવારની રજા પણ જોડાતા, લોકોની ભીડમાં વધુ વધારો થયો છે.

તંત્રની વ્યવસ્થા સામે રોષ
મુસાફરોનો આરોપ છે કે તંત્ર દ્વારા એક્સ્ટ્રા બસની જાહેરાત કરવામાં આવી હોવા છતાં, ગીતા મંદિર પર વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. યોગ્ય સંચાલન અને વહીવટના અભાવે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ઘણા મુસાફરોને બસમાં બેસવા માટે પડાપડી કરતા પણ જોવા મળ્યા.

રક્ષાબંધન જેવા પારંપરિક તહેવારમાં લોકો પોતાના પરિવાર સાથે સમય વિતાવવા આતુર હોય છે. પરંતુ, તંત્રની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ આનંદની પળો પહેલા જ મુસાફરીમાં જ હાલાકીનો સામનો કરવો પડે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!