આતંકી અડ્ડાઓ પર ‘ઓપરેશન સિંદૂર’ના ધડાકાની ગુંજ આખી દુનિયાએ સાંભળી: મેલબોર્નમાં PM મોદીની સિંહગર્જના

પીએમ મોદીએ મેલબોર્નમાં 30,000 ભારતીયોને સંબોધિત કરતા આતંકીઓ પરના ‘ઓપરેશન સિંદૂર’નો ગર્વથી ઉલ્લેખ કર્યો. ઓસ્ટ્રેલિયન PM એન્થની અલ્બેનિઝે મોદીને સાચા મિત્ર ગણાવ્યા.

ઓસ્ટ્રેલિયા, ગુરૂવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં તેમના ત્રણ દિવસીય ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. આ ઐતિહાસિક પ્રવાસ દરમિયાન તેમણે ગુરુવારે મેલબોર્નમાં ભારતીય સમુદાય માટે એક ભવ્ય મેગા ઇવેન્ટને સંબોધિત કરી હતી. આ કાર્યક્રમમાં 30,000 થી વધુ ભારતીયો ઉમટી પડ્યા હતા અને આખું સ્ટેડિયમ ‘મોદી-મોદી’ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત એ હતી કે આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનિઝ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન પીએમએ મોદીને ગણાવ્યા ‘સાચા મિત્ર’
મેલબોર્નના આ ભવ્ય શોમાં પીએમ એન્થની અલ્બેનિઝે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને તેમને ઓસ્ટ્રેલિયાના સાચા મિત્ર ગણાવ્યા હતા. તેમણે આ પ્રસંગને દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશોની મિત્રતાની શાનદાર ઉજવણી ગણાવી હતી.

સામે પીએમ મોદીએ પણ આ ભવ્ય સ્વાગત માટે ઓસ્ટ્રેલિયન પીએમનો દિલથી આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, “મેલબોર્ને મારું દિલ જીતી લીધું છે. આપણે અમદાવાદના દુનિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડથી લઈને મેલબોર્નના આઇકોનિક સ્ટેડિયમ સુધી સાથે રહ્યા છીએ. મારા મિત્ર અલ્બેનિઝ જ્યારે બોલે છે, ત્યારે તેઓ ભારતીયોના દિલમાં વસી જાય છે.”

‘ઓપરેશન સિંદૂર’: આતંકીઓ પરના પ્રહારનો ગર્વભેર ઉલ્લેખ
પોતાના પાવરફુલ ભાષણ દરમિયાન પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ નો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આતંકવાદ સામે ભારતના કડક વલણને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું કે, “ઓપરેશન સિંદૂરનું ટ્રેલર તો તમે જોયું જ હશે! ધડાકા આપણા પાડોશીઓના આતંકી અડ્ડાઓ પર થઈ રહ્યા હતા, પરંતુ તેનો પડઘો અને ગુંજ આખી દુનિયા સાંભળી રહી હતી.” તેમણે ઉપસ્થિત લોકોને પૂછ્યું કે આ શક્તિશાળી પ્રહારથી તમને ગર્વ થયો કે નહીં?

વધુમાં તેમણે કહ્યું કે ભારત હવે માત્ર આટલેથી જ અટકવાનું નથી. ભારત હવે ‘ગ્રો મોર’ (Grow More) ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે. આજે દેશમાં જીપથી લઈને મોટા શીપ (જહાજ) બનાવવા સુધીની એક નવી મેન્યુફેક્ચરિંગ ઇકો-સિસ્ટમ તૈયાર થઈ રહી છે.

ભારતીય સમુદાયે મેલબોર્નને ‘મિની ઇન્ડિયા’ બનાવ્યું
પીએમ મોદીએ છેલ્લા 12 વર્ષમાં આ પોતાની ત્રીજી ઓસ્ટ્રેલિયા મુલાકાત ગણાવી હતી અને બંને દેશોના મજબૂત સંબંધોનો શ્રેય ત્યાં વસતા ભારતીયોને આપ્યો હતો.

તેમણે ઓસ્ટ્રેલિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રભાવના વખાણ કરતા કેટલીક રસપ્રદ વાતો કહી, મેલબોર્ન ભલે એક દિવસમાં 4 અલગ-અલગ સિઝન બતાવતું શહેર હોય, પરંતુ ભારતીયોએ પોતાના સાંસ્કૃતિક રંગોથી તેને એકદમ વાઇબ્રન્ટ બનાવી દીધું છે. મેલબોર્નમાં ઘણી જગ્યાઓ હવે ‘લિટલ ઇન્ડિયા’ કે ‘મિની ઇન્ડિયા’ તરીકે ઓળખાય છે. પીએમ મોદીએ મજાકમાં કહ્યું કે, “તમારા ઘરમાં ભલે દૂધ ઓસ્ટ્રેલિયાનું હોય, પણ ચા તો આપણી ઇન્ડિયન જ બને છે. દાળ ઓસ્ટ્રેલિયાની છે, પણ તેમાં તડકો તો આપણા દેશી મસાલાનો જ લાગે છે.” તેમણે ભારતીય યુવાનોના (Gen Z) ‘ભજન ક્લબિંગ’ ટ્રેન્ડ અને વીકેન્ડમાં આધ્યાત્મિક પ્રવૃત્તિઓની પણ પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન મોદીનો આ મેલબોર્ન કાર્યક્રમ માત્ર સાંસ્કૃતિક ન હતો, પરંતુ તે દુનિયાને ભારતની વધતી તાકાત, આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સ નીતિ અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના અતૂટ સંબંધોનો એક સ્પષ્ટ સંદેશ હતો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!