વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી

છેલ્લા કેટલાક મહિનાના તણાવ બાદ ભારત અને અમેરિકાના સંબંધો ફરી પાટા પર આવી રહ્યા છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. પીએમ મોદીએ ટ્રમ્પને ગાઝામાં શાંતિ પ્રસ્તાવ માટે તૈયાર કરાયેલ યોજના સફળ થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, તેમણે પોતાના મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરી અને “ઐતિહાસિક ગાઝા શાંતિ યોજનાની સફળતા” બદલ તેમને અભિનંદન આપ્યા. સાથે જ, તેમણે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચાલી રહેલી વાતચીતની સમીક્ષા કરી અને તેમાં “સારી પ્રગતિ” હાંસલ થયાની માહિતી આપી. બંને નેતાઓ આગામી સપ્તાહોમાં સંપર્કમાં રહેવા માટે સહમત થયા છે.
આ પહેલાં એક અલગ પોસ્ટમાં પીએમ મોદીએ ગાઝા શાંતિ પ્રસ્તાવનું સ્વાગત કર્યું હતું અને આશા વ્યક્ત કરી હતી કે બંધકોની જલ્દી મુક્તિ થશે અને કાયમી શાંતિનો માર્ગ મોકળો થશે.
ઉલ્લેખનીય છે કે, ગયા ઓગસ્ટ મહિનામાં અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવાના મામલે ભારતની વસ્તુઓ પર 50% ટેરિફ લગાવતા બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હતો, જેના પછી ટ્રેડ ડીલ પરની ચર્ચા પણ સ્થગિત થઈ ગઈ હતી. હવે આ વાતચીત ફરી શરૂ થવાના સંકેત મળ્યા છે.











