રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પ્રથમ વખત સત્તાવાર રીતે કબૂલાત કરી છે કે ડિસેમ્બર 2024માં અઝરબૈજાનનું એક વિમાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમની ભૂલને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પ્રથમ વખત સત્તાવાર રીતે કબૂલાત કરી છે કે ડિસેમ્બર 2024માં અઝરબૈજાનનું એક વિમાન રશિયાની એર ડિફેન્સ સિસ્ટમની ભૂલને કારણે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. બાકુથી ગ્રોઝની જઈ રહેલા આ વિમાનમાં 67 લોકો સવાર હતા અને આ દુર્ઘટનામાં 38 લોકોના મોત થયા હતા.
પુતિને સ્પષ્ટતા કરી કે રશિયન હવાઈ સંરક્ષણ પ્રણાલીએ યુક્રેની ડ્રોનને તોડી પાડવાના ઇરાદાથી મિસાઇલો છોડી હતી, પરંતુ તે વિમાનની નજીક ફાટી ગઈ, જેના કારણે વિમાન પશ્ચિમી કઝાકિસ્તાનમાં ક્રેશ થયું હતું.
પુતિને અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલીયેવ સમક્ષ પ્રથમ સત્તાવાર માફી માંગી અને મૃતકોના પરિવારોને વળતર આપવાનું વચન આપ્યું. અગાઉ આ ઘટનાને માત્ર ‘દુઃખદ ઘટના’ ગણાવવામાં આવી હતી, જેના કારણે બંને દેશોના ગાઢ સંબંધોમાં ખટાશ આવી હતી. અલીયેવે દુશાંબેમાં પુતિન સાથેની બેઠક દરમિયાન આ ઘટનાની નિષ્પક્ષ તપાસ અને સુરક્ષા તંત્રને મજબૂત બનાવવાની માંગ કરી હતી.
નિષ્ણાતોનું માનવું છે કે પુતિનની આ માફી રાજદ્વારી તણાવ ઘટાડવા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા તરફનું એક મહત્ત્વનું પગલું છે. બંને રાષ્ટ્રો હવે આ ઘટનામાંથી શીખીને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવાની આશા સેવી રહ્યા છે.











