સપ્ટેમ્બરમાં પીએમ નરેન્દ્ર મોદી ન્યુયોર્કમાં યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)ના 80માં સત્રને સંબોધિત કરી શકે છે. આ દરમિયાન તેઓ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ મુલાકાત કરી શકે છે.

નવી દિલ્હી, બુધવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનામાં ન્યુયોર્કમાં યોજાનારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના વાર્ષિક ઉચ્ચ-સ્તરીય સત્રને સંબોધિત કરવા માટે અમેરિકા જઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રવાસ દરમિયાન તેમની અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત થવાની શક્યતા છે.
UN દ્વારા જાહેર કરાયેલી વક્તાઓની પ્રોવિઝનલ લિસ્ટ મુજબ, UNGAનું 80મું સત્ર 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. તેની ઉચ્ચ-સ્તરીય સામાન્ય ચર્ચા 23થી 29 સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પરંપરાગત રીતે બ્રાઝિલ પહેલું ભાષણ આપશે અને ત્યારબાદ અમેરિકાનું ભાષણ થશે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 23 સપ્ટેમ્બરે આ પ્લેટફોર્મ પરથી વિશ્વના નેતાઓને સંબોધિત કરશે.
મળતી માહિતી મુજબ, ભારતના વડાપ્રધાન 26 સપ્ટેમ્બરની સવારે આ સત્રને સંબોધિત કરશે. તે જ દિવસે ઇઝરાયેલ, ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશના રાષ્ટ્રના વડા પણ UNGAની સામાન્ય ચર્ચામાં ભાગ લેશે.
આ પ્રવાસ દરમિયાન, PM મોદી અન્ય વૈશ્વિક નેતાઓ સાથે પણ ઉચ્ચ-સ્તરીય બેઠકો કરી શકે છે. સંભવિત છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી પણ આ બેઠકોમાં સામેલ થઈ શકે છે.
આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત પર અમેરિકાએ પચાસ ટકા ટેરિફ લગાવ્યો છે. જેમાંથી પચીસ ટકા ટેરિફ પહેલેથી જ અમલમાં છે અને વધારાનો પચીસ ટકા ટેરિફ ટૂંક સમયમાં લાગુ થઈ શકે છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે કોઈ પણ ડીલ માટે તેના ખેડૂતોના હિતો સાથે કોઈ સમાધાન નહીં કરે. PM મોદીએ પોતે પણ કહ્યું છે કે તેઓ વ્યક્તિગત રીતે ગમે તેટલી કિંમત ચૂકવવા તૈયાર છે, પરંતુ ખેડૂતોના હિતોનું રક્ષણ કરવું તેમની પ્રાથમિકતા છે.











