સાણંદમાં હાઈ-પ્રોફાઈલ મહેફિલ પર પોલીસનો દરોડો, લગ્નની વર્ષગાંઠની પાર્ટીમાં દારૂ અને હુક્કા સાથે 80થી વધુ ઝડપાયા

અમદાવાદના સાણંદમાં સફલ નિર્વાણા ગ્રીન્સમાં ચાલતી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડ્યો હતો. લગ્નની 25મી વર્ષગાંઠની ઉજવણીમાં 80થી વધુ યુવક-યુવતીઓની અટકાયત અને કરોડોનો મુદ્દામાલ જપ્ત.

અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદના સાણંદ વિસ્તારમાં આવેલી એક લક્ઝુરિયસ સ્કીમમાં મોડી રાત્રે પોલીસે દરોડો પાડીને હાઈ-પ્રોફાઈલ દારૂ અને હુક્કાની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. ગોરજ ગામની સીમમાં આવેલા ‘સફલ નિર્વાણા ગ્રીન્સ’ ના એક બંગલામાં લગ્નની વર્ષગાંઠની ઉજવણી ચાલી રહી હતી, જે દરમિયાન પોલીસે ત્રાટકીને 80 જેટલા નબીરાઓની અટકાયત કરી છે.

મિત્રના બંગલામાં સાઢુની એનિવર્સરીનું આયોજન
મુંબઈના મરીન ડ્રાઈવ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય અમિત ગોપીલાલ પચેરીવાલે આ આખી પાર્ટીનું આયોજન કર્યું હતું. પોતાના સાઢુ આદર્શ અગ્રવાલના લગ્નની 25મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે તેમણે સાણંદમાં પોતાના મિત્ર રવી ગોરખપુરીયાના પ્લોટ નંબર 200નો ઉપયોગ કર્યો હતો. આ પાર્ટીમાં અમદાવાદ અને બહારના અનેક હાઈ-પ્રોફાઈલ મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

દારૂ અને હુક્કાની જ્યાફત
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે જ્યારે આ બંગલા પર રેડ કરવામાં આવી, ત્યારે ત્યાંનો નજારો જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી.

પાર્ટીમાં ભવ્ય ફૂડ કાઉન્ટર્સની સાથે 11 જેટલા અલગ-અલગ ટેબલ ગોઠવવામાં આવ્યા હતા.

આ ટેબલો પર વિદેશી દારૂની બોટલો, મોંઘી કેક અને હુક્કા પીરસવામાં આવી રહ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 8 સીલબંધ અને અનેક અડધી ભરેલી દારૂની બોટલો તેમજ 10 જેટલા હુક્કા કબજે કર્યા છે.

કુલ 81 લોકોની અટકાયત અને મેડિકલ ટેસ્ટ
પોલીસે આ દરોડામાં કુલ 81 લોકોની અટકાયત કરી છે, જેમાં 43 પુરુષો અને 38 મહિલાઓનો સમાવેશ થાય છે. મોડી રાત્રે જ તમામ લોકોને સાણંદની સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જવામાં આવ્યા હતા.

મહિલાઓને વહેલી સવારે 3:30 વાગ્યે મેડિકલ તપાસ બાદ નોટિસ આપીને ઘરે જવા દેવામાં આવી હતી.

જ્યારે પુરુષોને સવારે 5:30 વાગ્યે મેડિકલ તપાસ માટે લઈ જવાયા હતા અને તેઓ હજુ પણ પોલીસ કસ્ટડીમાં છે.

2.91 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે આ કાર્યવાહીમાં માત્ર ધરપકડ જ નથી કરી, પરંતુ કરોડોની કિંમતનો સામાન પણ જપ્ત કર્યો છે.

વાહનો: સ્થળ પરથી 22 લક્ઝરી ફોર-વ્હીલર ગાડીઓ જપ્ત કરાઈ છે, જેની કિંમત આશરે 2,65,00,000 રૂપિયા થાય છે.

મોબાઈલ: આરોપીઓ પાસેથી 74 મોંઘા મોબાઈલ ફોન (કિંમત 26,30,000) જપ્ત કરાયા છે.

અન્ય સામાન: દારૂનો જથ્થો અને હુક્કા મળીને કુલ 2,91,84,250 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો છે.

કાયદેસરની કાર્યવાહી
સાણંદ પોલીસે આયોજક અમિત પચેરીવાલ સહિત મહેફિલમાં હાજર તમામ લોકો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે આટલો મોટો દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આ પ્રકારે હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં નબીરાઓ દ્વારા જે રીતે કાયદાના લીરેલીરા ઉડાડવામાં આવે છે, તેના પર પોલીસની આ કાર્યવાહી એક લાલબત્તી સમાન છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!