ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મર એસોસિએશન દ્વારા 20 કિલો બટાટા માટે 267નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કંપનીઓ માત્ર 240 ચૂકવી રહી છે.

ગાંધીનગર, મંગળવાર
ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં બટાટાનું ઉત્પાદન 12 લાખ મેટ્રિક ટનથી પણ વધુ વધ્યું છે, પરંતુ ખેડૂતોની આવક સ્થિર રહી છે. ઉત્પાદન વધવા છતાં, તેમને બટાટાના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પાછળનું મુખ્ય કારણ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કંપનીઓ દ્વારા કરવામાં આવતી દખલગીરી હોવાનું મનાઈ રહ્યું છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગનો વધતો પ્રભાવ
કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં મોટી કંપનીઓ ખેડૂતો સાથે વાવેતર અને ઉત્પાદન માટે કરાર કરે છે. આ કરાર હેઠળ કંપનીઓ પહેલાથી જ બટાટાનો ભાવ નક્કી કરે છે. ખેડૂતોને બિયારણ અને માર્ગદર્શન પણ મળે છે. જોકે, આ પ્રથાને કારણે બટાટાના વાવેતરમાં મોટો વધારો થયો છે.
ઉત્તર ગુજરાત પોટેટો કોન્ટ્રાક્ટ ફાર્મર એસોસિએશન દ્વારા 20 કિલો બટાટા માટે 267નો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ કંપનીઓ માત્ર 240 ચૂકવી રહી છે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ 40,000થી 45,000 પ્રતિ હેક્ટર કરતાં ઓછું વળતર 30,000થી 35,000 મળી રહ્યું છે, જેનાથી તેઓ આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે.
કંપનીઓ પ્રોડક્ટ બનાવવાને બદલે છૂટક માર્કેટમાં બટાટા ઠાલવે છે
કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલ જણાવે છે કે, કંપનીઓ પ્રોડક્ટ્સ બનાવવાને બદલે પોતાનું ઉત્પાદન છૂટક માર્કેટમાં વેચી રહી છે. આનાથી માર્કેટમાં બટાટાનો પુરવઠો વધી જાય છે, જેના કારણે ભાવમાં મોટો ઘટાડો થાય છે. જો કંપનીઓ આવું કરવાનું બંધ કરે તો ખેડૂતોને સારો ભાવ મળી શકે છે.
ઉપરાંત, આ વર્ષે બટાટાના ખોદણી સમયે વાતાવરણ સારું હોવાથી ઉત્પાદનનો જથ્થો પણ ખૂબ જ વધી ગયો છે. આનાથી પણ ભાવ પર નકારાત્મક અસર થઈ છે. ગયા વર્ષે ખેડૂતોને 20 કિલો બટાટાના 230 થી 250 મળતા હતા, જ્યારે આ વર્ષે ફક્ત 120 થી 140 જ મળી રહ્યા છે.
કોલ્ડ સ્ટોરેજના વધતા ભાડાં
બટાટાના સ્ટોરેજ માટે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ થાય છે, પરંતુ તેના ભાડામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ગયા વર્ષે પ્રતિ કિલોએ 8 મહિનાનું ભાડું 2.60 હતું, જે આ વર્ષે વધીને 2.70 થયું છે. આ વધતા ખર્ચને કારણે ઘણા ખેડૂતો બટાટા સ્ટોર કરી શકતા નથી.
આ પરિબળોને કારણે ગુજરાતમાં બટાટાનું ઉત્પાદન રેકોર્ડબ્રેક હોવા છતાં, ખેડૂતોની આર્થિક સ્થિતિમાં સુધારો થયો નથી.
ગુજરાતમાં બટાટાનું વાવેતર અને ઉત્પાદન
| વર્ષ | હેક્ટર | ઉત્પાદન (મે.ટન) |
| 2015-16 | 112400 | 3549380 |
| 2016-17 | 122528 | 3797816 |
| 2017-18 | 133292 | 3806945 |
| 2018-19 | 124646 | 3707693 |
| 2019-20 | 121653 | 3706115 |
| 2020-21 | 125863 | 3896569 |
| 2021-22 | 128734 | 3921963 |
| 2022-23 | 131503 | 3983859 |
| 2023-24 | 134858 | 4116974 |
| 2024-25 | 156280 | 4789149 |










