ઉત્તરાખંડના બદ્રીનાથ અને કેદારનાથ સહિત 48 મંદિરોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાની તૈયારી ચાલી રહી છે. BKTC અને સરકારે શું કહ્યું? જુઓ કયા મંદિરોનો લિસ્ટમાં સમાવેશ થાય છે.

ઉત્તરાખંડ, મંગળવાર
ઉત્તરાખંડના ચારધામ યાત્રાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) એ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની દિશામાં આગળ વધી રહી છે, જેના હેઠળ ચારધામ સહિત રાજ્યના પ્રમુખ 48 મંદિરો અને તીર્થસ્થાનોમાં બિન હિન્દુઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. આ નિર્ણયે દેશભરમાં ચર્ચા જગાવી છે.
‘ચારધામ એ પિકનિક સ્પોટ નથી’
બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ હેમંત દ્વિવેદીએ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, બદ્રીનાથ અને કેદારનાથ જેવા પવિત્ર ધામો માત્ર પ્રવાસ કે પર્યટન માટેના સ્થળો નથી. આ સનાતન ધર્મના સર્વોચ્ચ આધ્યાત્મિક કેન્દ્રો છે. અહીં પ્રવેશને કોઈ નાગરિક અધિકાર તરીકે નહીં, પરંતુ ધાર્મિક પરંપરા અને આસ્થાના દ્રષ્ટિકોણથી જોવો જોઈએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સંત સમાજ અને ધાર્મિક ગુરુઓનું પણ માનવું છે કે આ પવિત્ર તીર્થસ્થાનો પર બિન હિન્દુઓનો પ્રવેશ ન હોવો જોઈએ. સનાતન પરંપરાઓના રક્ષણ અને સન્માન માટે આ પગલું ભરવું જરૂરી છે, કારણ કે ચારધામ એ શ્રદ્ધા અને સાધનાનું કેન્દ્ર છે.
સરકારનું આડકતરું સમર્થન
આ પ્રસ્તાવ પર ઉત્તરાખંડ સરકારનું વલણ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આ બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, દેવભૂમિ ઉત્તરાખંડમાં તીર્થસ્થાનોનું સંચાલન કરતી સંસ્થાઓ અને સંત સમાજ જે પણ નિર્ણય લેશે, સરકાર તે મુજબ કાર્યવાહી કરશે. મુખ્યમંત્રીના આ નિવેદન પરથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સરકાર પણ આ પ્રતિબંધના પક્ષમાં છે.
કોંગ્રેસ નેતા હરીશ રાવતનો વિરોધ
એક તરફ સરકાર અને સમિતિ પ્રતિબંધની તરફેણમાં છે, તો બીજી તરફ વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે. ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા હરીશ રાવતે આ પ્રસ્તાવની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, “જ્યારે આપણે આપણી સંસ્કૃતિ અને ધર્મનો પરિચય દુનિયાને કરાવવા માંગીએ છીએ, ત્યારે આવા પ્રતિબંધો શા માટે? ઘણા મંદિરો અને કાવડ યાત્રાઓમાં બિન હિન્દુઓ પણ સેવા આપે છે અને વસ્તુઓ બનાવે છે.” તેમણે આક્ષેપ કર્યો કે આ પગલું ચોક્કસ વિચારધારા હેઠળ લેવામાં આવી રહ્યું છે.
કયા 48 મંદિરોમાં પ્રતિબંધની તૈયારી?
BKTC દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદીમાં કુલ 48 સ્થળોનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય મંદિરો ઉપરાંત કુંડ અને સમાધિ સ્થળો પણ સામેલ છે. નીચે મુજબની જગ્યાઓ પર બિન હિન્દુઓની એન્ટ્રી બેન થઈ શકે છે:
મુખ્ય ધામ: કેદારનાથ ધામ, બદ્રીનાથ ધામ.
કેદારનાથ વિસ્તાર: તુંગનાથ મંદિર, મધ્યમહેશ્વર મંદિર, ગૌરીકુંડ ખાતે ગૌરી મૈયા મંદિર, ઉખીમઠમાં ઓમકારેશ્વર, ઉષા દેવી અને બારાહી દેવી મંદિર, ત્રિયુગીનારાયણ મંદિર, કાલિશિલા મંદિર.
બદ્રીનાથ વિસ્તાર: માતા મૂર્તિ મંદિર, બ્રહ્મ કપાલ શિલા, તપ્ત કુંડ, આદિ કેદારેશ્વર મંદિર, પંચ શિલા, પંચ ધારા, વલ્લભાચાર્ય મંદિર.
પંચ બદ્રી: ભવિષ્ય બદ્રી (સુભાઈ), ધ્યાન બદ્રી (ઉર્ગમ), યોગ બદ્રી (પાંડુકેશ્વર), વૃધ્ધ બદ્રી (અનિમથ).
અન્ય મહત્વના મંદિરો: જોશીમઠમાં નરસિંહ અને દુર્ગા મંદિર, ગુપ્તકાશીમાં વિશ્વનાથ મંદિર, જયોતિરેશ્વર મહાદેવ મંદિર.
વધારાના સ્થળો: વિષ્ણુપ્રયાગમાં નારાયણ મંદિર, સીતા દેવી મંદિર, પાખી અને દરમીમાં નરસિંહ મંદિર, નંદપ્રયાગ, કુલસારી, દ્વારહાટ અને ગુડારીમાં લક્ષ્મી નારાયણ મંદિરો.
કાલીમઠ: મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી મંદિર.
કેદારનાથ પરિસર: માતા પાર્વતી, ઈશાનેશ્વર, ગણેશ મંદિર, હંસા કુંડ, રેતસ કુંડ, ઉદક કુંડ અને શંકરાચાર્ય સમાધિ/ભૈરવનાથ મંદિર.
આ યાદીમાં દર્શાવેલા સ્થળો પર આગામી સમયમાં નવા નિયમો લાગુ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. હવે જોવું રહ્યું કે આ પ્રસ્તાવ ક્યારે સત્તાવાર રીતે અમલમાં આવે છે.










