ગાંધીનગરના દહેગામની ગામડાની સરકારી શાળાના પ્રિન્સિપાલ USA ના બાળકોને ભણાવશે : ભારતના 5000 શિક્ષકોમાંથી તેમની એકમાત્ર પસંદગીએ ગુજરાતને ગૌરવ અપાવ્યું

ગાંધીનગરના લવાડ ગામની પીએમ શ્રી સરકારી શાળાના પ્રિન્સિપાલ નીમાબેન પારેખની પ્રતિષ્ઠિત ફુલબ્રાઈટ સ્કોલરશિપ માટે પસંદગી. જાણો 5000 લોકોમાંથી તેઓ કઈ રીતે અમેરિકા જવા માટે પસંદ થયા.

ગાંધીનગર, સોમવાર
શું તમે માની શકો કે ગુજરાતના એક નાનકડા ગામની સરકારી શાળાના પ્રિન્સિપાલને અમેરિકાની સરકાર પોતાના ખર્ચે ભણવા માટે બોલાવે? જી હા, આ કોઈ કાલ્પનિક વાર્તા નથી, પરંતુ ગાંધીનગર જિલ્લાના લવાડ ગામની પ્રાથમિક શાળાના આચાર્ય નીમાબેન પારેખની હકીકત છે, જેમણે પોતાની મહેનતથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.

5000માંથી એકમાત્ર, આ સિદ્ધિ નાની નથી
નીમાબેન પારેખની પસંદગી અમેરિકાની વિશ્વપ્રસિદ્ધ ફુલબ્રાઈટ સ્કોલરશિપ માટે થઈ છે. આ સિદ્ધિ એટલા માટે ખાસ છે કારણ ભારતભરમાંથી આવેલી લગભગ 5000 અરજીઓમાંથી માત્ર ગણતરીના શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. તેમાં પણ, સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે પસંદગી પામનારા નીમાબેન એકમાત્ર છે. આ સ્કોલરશિપ અમેરિકન સરકાર દ્વારા એવા શિક્ષકોને અપાય છે જેઓ શિક્ષણ ક્ષેત્રે કંઈક નવું અને ક્રાંતિકારી કરવાની ધગશ ધરાવતા હોય.

કોણ છે નીમાબેન પારેખ અને શું છે તેમની સફર?
નીમાબેન વર્ષ 2004માં લવાડ પ્રાથમિક શાળામાં એક સામાન્ય શિક્ષક તરીકે જોડાયા હતા. આજે તેઓ આ જ શાળાના પ્રિન્સિપાલ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. તેમની સફર શિક્ષણ પ્રત્યેના તેમના જુસ્સા અને નવા પ્રયોગોથી ભરેલી છે. તેમણે શાળાના બાળકો માટે ભણતરને બોજ નહીં, પણ ઉત્સવ બનાવી દીધું.

10 દિવસ દફતર વગર: નવી શિક્ષણ નીતિ હેઠળ, તેમણે ભારતમાં સૌપ્રથમ 10 Days Bagless School નો કોન્સેપ્ટ સફળતાપૂર્વક લાગુ કર્યો, જેમાં બાળકો પુસ્તકોના ભાર વગર જીવન ઉપયોગી કૌશલ્યો શીખે છે.

રમશે ગુજરાત, શીખશે ગુજરાત: તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટીના સહયોગથી બાળકોને અલ્ટીમેટ ફ્રિસબી જેવી આંતરરાષ્ટ્રીય રમત શીખવાડી.

ભણતર સાથે ગમ્મત: શાળામાં આનંદ મેળા અને નાટકો દ્વારા બાળકોને જીવન કૌશલ્ય શીખવવામાં આવે છે.

આ શાળાને બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલના પત્ની ડૉ. સ્વરૂપ રાવલે દત્તક લીધી છે અને તેમના માર્ગદર્શન હેઠળ નીમાબેને આ સપનું સાકાર કર્યું છે.

અમેરિકામાં શું કરશે નીમાબેન?
આગામી ઓગસ્ટ મહિનામાં નીમાબેન US સરકારના મહેમાન બનીને અમેરિકા જશે. ત્યાં તેઓ 4 મહિના સુધી રોકાશે અને વિશ્વના 40 અલગ-અલગ દેશોમાંથી આવેલા શિક્ષકો સાથે શિક્ષણની નવી પદ્ધતિઓ વિશે જાણકારી મેળવશે. તેઓ ત્યાં આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિની શ્રેષ્ઠતા રજૂ કરશે અને અમેરિકન શાળાઓની સારી બાબતો શીખીને લવાડના બાળકોના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે પાછા ફરશે.

નીમાબેન પોતાની આ સફળતાનો શ્રેય શાળા પરિવાર, ગ્રામજનો અને ડો. સ્વરૂપ રાવલના માર્ગદર્શનને આપે છે. તેમની આ સફર એ વાતનું ઉત્તમ ઉદાહરણ છે કે જો એક સરકારી શિક્ષક ધારે, તો તે શિક્ષણ જગતમાં ધરમૂળથી પરિવર્તન લાવી શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!