પંજાબ સરકારે લાંચના કેસમાં પકડાયેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લરને સસ્પેન્ડ કરી દીધા છે.

પંજાબ સરકારે લાંચના કેસમાં પકડાયેલા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIG) હરચરણ સિંહ ભુલ્લરને સસ્પેન્ડ કરી દીધા છે. સીબીઆઈ (CBI) દ્વારા ૮ લાખ રૂપિયાની લાંચના કેસમાં ભુલ્લરની ધરપકડ કરવામાં આવી હતી.
ભુલ્લરની ધરપકડ બાદ તેમના ઘરે પાડવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં સીબીઆઈએ મોટી માત્રામાં સંપત્તિ જપ્ત કરી છે, જેમાં રૂ. ૭.૫૦ કરોડ રોકડા અને અઢી કિલો સોનાના દાગીનાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રોલેક્સ અને રાડો જેવી બ્રાન્ડની ૨૬ લક્ઝરી ઘડિયાળો, પરિવારના સભ્યો અને શંકાસ્પદ બેનામી કંપનીઓના નામે ૫૦થી વધુ સ્થાવર મિલકતોના દસ્તાવેજો, લોકરની ચાવીઓ અને અનેક બેંક ખાતાની વિગતો પણ મળી આવી છે. ભુલ્લરના ફાર્મહાઉસ પરથી દારૂની ૧૦૮ બોટલો અને રોકડા રૂ. ૧૫.૭૦ લાખ પણ જપ્ત કરાયા છે.
ભુલ્લરની ધરપકડ ફતેહગઢ સાહિબના એક સ્ક્રેપ ડીલરની ફરિયાદના આધારે થઈ હતી. ડીલરે આરોપ લગાવ્યો હતો કે આઈપીએસ અધિકારી ૨૦૨૩ની એફઆઈઆર સેટલ કરવા માટે તેમની પાસેથી નિયમિત માસિક રકમની માંગણી કરી રહ્યા હતા.
પંજાબ ગૃહ વિભાગે શનિવારે આદેશ જાહેર કરીને જણાવ્યું હતું કે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ (ડિસિપ્લિન એન્ડ અપીલ) રૂલ્સના નિયમ ૩(૨) મુજબ, કોઈ પણ સભ્ય ૪૮ કલાકથી વધુ સમય માટે સત્તાવાર કસ્ટડીમાં રહે તો તેને સસ્પેન્ડ ગણવામાં આવે છે. આ નિયમ હેઠળ, હરચરણ સિંહ ભુલ્લરને ૧૬.૧૦.૨૦૨૫થી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભુલ્લર પર ભ્રષ્ટાચાર અધિનિયમ (Prevention of Corruption Act, 1988) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.











