કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે.

કોંગ્રેસ પાર્ટીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જાનથી મારી નાખવાની ધમકી મળતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે. કોંગ્રેસે ABVPના પૂર્વ નેતા પ્રિન્ટુ મહાદેવ દ્વારા એક ટેલિવિઝન કાર્યક્રમમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણી પર આક્રોશ વ્યક્ત કર્યો છે. પાર્ટીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો સરકાર આ મામલે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે, તો તેને વિપક્ષના નેતા વિરુદ્ધની હિંસામાં મિલિભગત ગણવામાં આવશે.
કોંગ્રેસના સંગઠન મહાસચિવ કે.સી. વેણુગોપાલે ગૃહમંત્રીને લખેલા પત્રમાં આ ધમકીનો સીધો ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે મહાદેવ ભાજપના પ્રવક્તા છે અને તેમણે મલયાલમ ટીવી ચેનલ પરની ચર્ચા દરમિયાન જાહેરમાં કહ્યું હતું કે “રાહુલ ગાંધીને છાતીમાં ગોળી મારવામાં આવશે.”
વેણુગોપાલે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર ‘જૂબાન લપસવી’ કે બેદરકારીપૂર્વક કહેવાયેલું નિવેદન નથી, પરંતુ વિપક્ષના નેતાને આપવામાં આવેલી વિચારપૂર્વકની અને ભયાનક મોતની ધમકી છે. તેમણે કહ્યું કે શાસક પક્ષના સત્તાવાર પ્રવક્તા દ્વારા આવા ઝેરી શબ્દોનો ઉપયોગ માત્ર રાહુલ ગાંધીના જીવનને જ નહીં, પરંતુ બંધારણ અને કાયદાના શાસનને પણ નબળો પાડે છે. વેણુગોપાલે એ પણ જણાવ્યું કે તેમણે આ ધમકી અંગે રાહુલ ગાંધીની સુરક્ષા સંભાળતા CRPFને પણ અગાઉ અનેક પત્રો લખ્યા છે.











