નવા નિયમો લાગુ થવાથી, અરજીઓ સમયસર મળશે, જેનાથી ચાર્ટ સમયસર તૈયાર થશે અને વેઇટિંગ લિસ્ટવાળા મુસાફરોને કન્ફર્મ સીટ મળવાની શક્યતા વધી જશે.

અમદાવાદ, ગુરૂવાર
રેલ મંત્રાલયે ઇમરજન્સી ક્વોટાના નિયમોમાં મહત્વનો ફેરફાર કર્યો છે, જેનો સીધો લાભ સામાન્ય પ્રવાસીઓને મળશે. તાજેતરમાં જ, ટ્રેન ઉપડવાના 8 કલાક પહેલાં રિઝર્વેશન ચાર્ટ તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો. આ જ નિર્ણયને ધ્યાનમાં રાખીને, રેલવેએ હવે ઇમરજન્સી ક્વોટા હેઠળ અરજી કરવાની પ્રક્રિયામાં પણ સુધારો કર્યો છે.
નવા નિયમો શું કહે છે?
મંગળવારે જારી કરાયેલા એક સર્ક્યુલર મુજબ ઇમરજન્સી ક્વોટા માટેની અરજીઓ માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, સવારે 10:00 થી બપોરે 1:00 વાગ્યા (13:00) વચ્ચે ઉપડતી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટાની અરજી યાત્રાના એક દિવસ પહેલા બપોરે 12:00 વાગ્યા સુધીમાં ઇમરજન્સી સેલ (Emergency Cell) સુધી પહોંચી જવી જોઈએ.
તો, બપોરે 2:01 વાગ્યા (14:01) થી રાત્રે 12:59 વાગ્યા (00:59) વચ્ચે ઉપડતી ટ્રેનો માટે ઇમરજન્સી ક્વોટાની અરજી યાત્રાના એક દિવસ પહેલા સાંજે 4:00 વાગ્યા (16:00) સુધીમાં ઇમરજન્સી સેલ સુધી પહોંચી જવી જોઈએ.
સામાન્ય મુસાફરોને શા માટે રાહત મળશે?
ઇમરજન્સી ક્વોટા હેઠળ સામાન્ય રીતે VIPs, રેલવે કર્મચારીઓ અને મેડિકલ ઇમરજન્સી ધરાવતા મુસાફરો માટે સીટો રિઝર્વ રાખવામાં આવે છે. જોકે, આ સુવિધાના દુરુપયોગ અને છેલ્લી ઘડીએ થતી અરજીઓના કારણે ઘણીવાર ચાર્ટ તૈયાર કરવામાં વિલંબ થતો હતો. આનાથી વેઇટિંગ લિસ્ટ ધરાવતા મુસાફરોને ભારે અસુવિધા ભોગવવી પડતી હતી.
રવિવાર અને રજાઓના દિવસો માટે ખાસ નિયમ
રેલ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનના પ્રસ્થાનના દિવસે ઇમરજન્સી ક્વોટા હેઠળ મળતી અરજીઓ પર સીટ ફાળવવામાં આવશે નહીં. જો રવિવાર કે અન્ય કોઈ જાહેર રજાના દિવસે ઇમરજન્સી ક્વોટાની સીટો ઇશ્યૂ કરવાની હોય, તો તેની અરજી એક દિવસ પહેલાં ઓફિસ બંધ થવાના સમય પહેલાં જ દાખલ કરવી પડશે. રેલવે બોર્ડના રિઝર્વેશન સેલને VIPs, રેલવે અધિકારીઓ અને અન્ય વિભાગો તરફથી મોટી સંખ્યામાં અરજીઓ મળતી હોય છે. આ નિયમો આ પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત બનાવશે.











