મોટી હોનારતની રાહ જોતો રાયપુર બ્રિજ: જોખમી વાહનોનો અવિરત પ્રવાહ, વીયુ નેટવર્કના અહેવાલથી ફરી તંત્ર દોડતું થયું!

આ ગંભીર બેદરકારી સામે ફરી એકવાર વીયુ નેટવર્ક દ્વારા તંત્રના કાન આમળતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આ અહેવાલની તાત્કાલિક અસર થઈ અને તંત્ર ફરી સફાળું જાગ્યું હોય તેમ જણાય છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સાથે કેનાલની મુલાકાતે પહોંચ્યા હતા.

ગાંધીનગર, શુક્રવાર
વડોદરાના પાદરા પાસે ગંભીરા બ્રિજ તૂટ્યાની ગોઝારી ઘટના હજુ તાજી છે, ત્યારે જાણે તેમાંથી કોઈ બોધપાઠ લેવામાં ન આવ્યો હોય તેમ, દહેગામ-નરોડાને જોડતો રાયપુર બ્રિજ પણ ખખડધજ હાલતમાં હોવા છતાં તેના પરથી ભારે વાહનોનો અવિરત પ્રવાહ ચાલુ રહેતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વીયુ નેટવર્ક દ્વારા સતત અહેવાલો પ્રસારિત કરીને તંત્રને જગાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને આ પ્રયાસોને પગલે તંત્ર ફરી સફાળું જાગ્યું હોય તેમ જણાય છે.

શેઠની શીખામણ ઝાંપા સુધી! કલેક્ટરના આદેશ છતાં પરિસ્થિતિ યથાવત્
રાયપુર બ્રિજની જર્જરિત હાલત અંગે વીયુ નેટવર્ક દ્વારા અહેવાલ પ્રસારિત થતાં ગાંધીનગર કલેક્ટર મેહુલ દવેએ પરિસ્થિતિની ગંભીરતા પારખીને જાહેરનામું બહાર પાડ્યું હતું, બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો અને જરૂરી પગલાં લેવાનો આદેશ આપાયા હતા. કલેક્ટરે વીયુ નેટવર્કને ખાતરી પણ આપી હતી કે ખખડધજ બ્રિજ પરથી ભારે વાહનો પસાર નહીં થાય. જોકે, ‘શેઠની શીખામણ ઝાંપા સુધી’ કહેવતને સાર્થક કરતા હોય તેમ, આ જાહેરનામાને 48 કલાક પણ વીત્યા નહોતા ત્યાં જ ફરીથી બ્રિજ પરથી ભારેથી અતિ ભારે વાહનો બેરોકટોક પસાર થવા માંડ્યા હતા.

પોલીસની બેદરકારી, રાત્રે બ્રિજ ભગવાન ભરોસે!
વધુ ચોંકાવનારી બાબત એ છે કે કલેક્ટરના જાહેરનામા બાદ ડભોડા પોલીસ દ્વારા દિવસે બ્રિજ પર બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ રાત પડતા જ સુરક્ષા જવાનો અને બેરીકેટ ગાયબ થઈ ગયા હતા. જાણે પોલીસે એવું માની લીધું હોય કે દિવસે બ્રિજ જોખમી છે અને રાત્રે કંઈ નહીં થાય, અથવા તો રાત્રે કોણ પૂછવાવાળું છે! આ બેદરકારી અને નિર્લજ્જતા ભરી પરિસ્થિતિ સ્પષ્ટ દર્શાવે છે કે અનેક લોકોના મોત બાદ પણ ગાંધીનગર જિલ્લાનું તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. માત્ર એક જ દિવસમાં જાહેરનામાની અમલવારીનો છેદ ઉડી ગયો.

વીયુ નેટવર્કની ઝુંબેશ અને તંત્રની દોડધામ
આ ગંભીર બેદરકારી સામે ફરી એકવાર વીયુ નેટવર્ક દ્વારા તંત્રના કાન આમળતો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો. આ અહેવાલની તાત્કાલિક અસર થઈ અને તંત્ર ફરી સફાળું જાગ્યું હોય તેમ જણાય છે. ગાંધીનગર કલેક્ટર મેહુલ દવે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ સાથે કેનાલની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની સાથે ASP આઈસ જૈન, દહેગામ મામલતદાર હેતલબા ચાવડા, નર્મદા કેનાલના અધિકારીઓ અને દહેગામ-ડભોડાના PI પણ બ્રિજની મુલાકાતે દોડતા પહોંચ્યા હતા.

કલેક્ટર મેહુલ દવેએ જાહેરનામાની ચુસ્ત અમલવારી માટે પોલીસ અધિકારીઓને કડક સૂચના આપી છે. સાથે જ, ટ્રાફિકનું સુચારુ આયોજન કરવા અને અમદાવાદ પોલીસને પણ નરોડા સાઇડથી એક પણ ભારે વાહન બ્રિજ પર ન આવે તેની ખાતરી કરવા આદેશ આપ્યા છે. વિડીયો જોવા અહીં ક્લિક કરો.

પ્રજાના પ્રશ્નોને વાચા આપતા વીયુ નેટવર્કના સમાચારોની અસર એટલી પ્રબળ રહી છે કે જિલ્લાનું વહીવટી તંત્ર ખરેખર દોડતું થઈ ગયું છે. ફરી એકવાર વીયુ નેટવર્ક પ્રજાના પ્રશ્નોની વ્હારે આવ્યું છે અને તંત્રને જવાબદાર બનવા મજબૂર કરી રહ્યું છે.

પણ અહીં પ્રશ્ન એ થાય કે શું તંત્ર આ વખતે ખરેખર જાગશે અને રાયપુર બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરશે, કે પછી ફરીથી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે.

વિડીયો જોવા અહીં ક્લિક કરો.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!