રાજસ્થાનમાં ભારતમાલા એક્સપ્રેસ-વે પર ભયંકર માર્ગ અકસ્માત, 15 લોકોનાં કરુણ મોત

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ-વે પર રવિવારે મોડી સાંજે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો.

રાજસ્થાનના ફલોદી જિલ્લાના માતોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભારતમાલા એક્સપ્રેસ-વે પર રવિવારે મોડી સાંજે એક અત્યંત દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયાં હતાં.

મળતી માહિતી મુજબ, જોધપુરના સૂરસાગર વિસ્તારના રહેવાસી 18 લોકો બીકાનેરના કોલાયત મંદિરના દર્શન કરીને ટેમ્પો ટ્રાવેલર મારફતે પરત ફરી રહ્યા હતા. હનુમાન સાગર ક્રોસિંગ પાસે, પૂરપાટ ઝડપે દોડતી ટેમ્પો ટ્રાવેલર અચાનક રોડ પર ઊભેલા એક ટ્રકમાં ઘૂસી ગઈ હતી.

ફલોદીના પોલીસ અધિક્ષક (SP) કુંદન કંવરિયાએ 15 મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, ત્રણ ઘાયલોને તાત્કાલિક ઓસિયાં હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ગ્રીન કોરિડોર બનાવીને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા.

ડીએસપી અચલસિંહ દેવડાએ જણાવ્યું કે ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પો ટ્રાવેલર સંપૂર્ણપણે ચકનાચૂર થઈ ગયો હતો. અનેક મૃતદેહો ટ્રાવેલરની સીટો અને લોખંડના ભાગોમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જેને બહાર કાઢવા માટે પોલીસ અને સ્થાનિક લોકોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. મૃતક અને ઘાયલ તમામ લોકો જોધપુરના સૂરસાગર વિસ્તારના રહેવાસી હતા અને પરિવાર સાથે ધાર્મિક યાત્રાથી પરત ફરી રહ્યા હતા. ઘટનાસ્થળે પોલીસ, SDRF અને રાહત દળોએ બચાવ કામગીરી હાથ ધરી હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!