GCAS દ્વારા UG એડમિશનમાં રેકોર્ડબ્રેક 32%નો વધારો, 3.22 લાખ વિદ્યાર્થીઓ વેરિફાઇડ, વધારાનો રાઉન્ડ જાહેર!

ગત વર્ષે 3 જુલાઈ સુધીમાં 1,70,109 એડમિશન થયા હતા, જ્યારે આ વર્ષે આ આંકડો 2.25 લાખને સ્પર્શવાની તૈયારીમાં છે. આ સુચવે છે કે GCAS મારફતે એડમિશનમાં ગત વર્ષની સરખામણીએ 32%નો પ્રભાવશાળી વધારો થયો છે.

ગાંધીનગર, ગુરૂવાર
ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) મારફતે અંડરગ્રેજ્યુએટ કોર્સિસમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં આ વર્ષે નોંધપાત્ર 32%નો વધારો જોવા મળ્યો છે. આજે ગાંધીનગર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી GCASની સમીક્ષા બેઠકમાં આ વિગતો સામે આવી હતી.

એડમિશન પ્રક્રિયા
હાલ સુધીમાં 15 સરકારી યુનિવર્સિટીઓ માટે UG કોર્સિસના એડમિશન માટે બે તબક્કામાં કુલ 7 રાઉન્ડ પૂરા થઈ ચૂક્યા છે, અને આઠમો રાઉન્ડ પ્રગતિમાં છે. આ પ્રક્રિયામાં કુલ 3,22,636 વિદ્યાર્થીઓનું પોર્ટલ પર સફળતાપૂર્વક વેરિફિકેશન કરવામાં આવ્યું છે. તેમાંથી 2.97 લાખ જેટલા વિદ્યાર્થીઓને એડમિશન માટે ઓફર આપવામાં આવી છે. આગામી 3 જુલાઈ સુધીમાં અંદાજિત 2.25 લાખ વિદ્યાર્થીઓને એડમિશન આપી દેવામાં આવશે.

રજિસ્ટ્રેશન બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે સુવર્ણ તક
વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈને, સમીક્ષા બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન બાકી રહી ગયું હોય તેમને વધુ એક તક આપવા માટે એડમિશનનો એક સ્પેશિયલ તબક્કો આયોજિત કરવાનું નક્કી કરાયું છે. આ તબક્કામાં, વિદ્યાર્થીઓ 3 જુલાઈ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. ત્યારબાદ 7 થી 11 જુલાઈ દરમિયાન 5 જેટલા રાઉન્ડમાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મંત્રી ઋષિકેશ પટેલે મહત્તમ વિદ્યાર્થીઓને આ તકનો લાભ લેવા અપીલ કરી છે.

યુનિવર્સિટીની સ્વાયત્તતા અને સ્થાનિક પસંદગી
GCAS દ્વારા પોર્ટલ પર રજિસ્ટર થયેલો ડેટા સંબંધિત યુનિવર્સિટીઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે. યુનિવર્સિટીઓ મેરિટના આધારે અને નિયમો મુજબ પોતાની એડમિશન પ્રક્રિયા સ્વાયત્ત રીતે હાથ ધરે છે. જો કોઈ વિદ્યાર્થી ઓફર મળ્યા બાદ રિપોર્ટિંગ કરવામાં ચૂકી જાય તો તેમને તે જ કોલેજમાં ફરીથી ઓફર આપવી કે નહીં તેનો નિર્ણય સંપૂર્ણપણે યુનિવર્સિટીની સ્વાયત્તતા હેઠળ રહેલો છે, જેમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી.

વિદ્યાર્થીઓ દ્વારા પસંદ કરાયેલી કોલેજોમાં, યુનિવર્સિટીઓ મેરિટ લિસ્ટ મુજબ એડમિશન ઓફર કરવાનો પ્રયાસ કરે છે. આ પ્રક્રિયા વિદ્યાર્થીઓને તેમના રહેઠાણની નજીકની કોલેજ પસંદ કરવાની સુવિધા પણ પૂરી પાડે છે, ભલે તે ગ્રામ્ય વિસ્તારમાં હોય કે શહેરી વિસ્તારમાં. આનાથી વિદ્યાર્થીઓને સ્થાનિક સ્તરે જ એડમિશન મેળવવામાં મદદ મળે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!