અમેરિકાથી ક્રૂડ ઓઇલની વિક્રમી ખરીદી, ટ્રમ્પ હવે ખુશ થશે?

ભારતે ઓક્ટોબર મહિનામાં અમેરિકાથી ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચાડી છે.

ભારતે ઓક્ટોબર મહિનામાં અમેરિકાથી ક્રૂડ ઓઇલની આયાત 2022 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચાડી છે. આ વધારો રશિયન તેલ પરની નિર્ભરતા ઘટાડવા અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન સાથેના વેપાર તણાવને ઓછો કરવાના પ્રયાસ તરીકે જોવાઈ રહ્યો છે.

ઊર્જા કન્સલ્ટન્સી ફર્મ કેપ્લરના ડેટા મુજબ, 27 ઓક્ટોબર સુધીમાં ભારતે અમેરિકા પાસેથી દૈનિક 5.40 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરી છે, જે છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ છે. આ આંકડો મહિનાના અંત સુધીમાં 5.75 લાખ બેરલ પ્રતિ દિન સુધી પહોંચવાનો અંદાજ છે. આ વર્ષે અત્યાર સુધીની સરેરાશ દૈનિક ત્રણ લાખ બેરલની તુલનામાં આ ઘણો મોટો વધારો છે.

કેપ્લરના મુખ્ય સંશોધન વિશ્લેષક સુમિત રિતોલિયાએ જણાવ્યું હતું કે આ વધારો મુખ્યત્વે આર્થિક કારણોસર થયો છે. બ્રેન્ટ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઇલના ભાવમાં વધતા તફાવત અને અમેરિકન તેલની સ્પર્ધાત્મક કિંમતોને કારણે ભારતીય રિફાઇનરીઓ માટે અમેરિકાથી તેલ ખરીદવું વધુ લાભદાયક બન્યું છે.

જોકે, રશિયા હજી પણ ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર છે, જે કુલ આયાતનો લગભગ એક તૃત્યાંશ હિસ્સો પૂરો પાડે છે. ઇરાક બીજા અને સાઉદી અરેબિયા ત્રીજા ક્રમે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્લાય સ્ત્રોતોમાં વિવિધતા લાવવા અને અમેરિકા સાથે સહયોગ દર્શાવવા માટે અમેરિકન મિડલેન્ડ ડબલ્યુટીઆઈ અને માર્સ ગ્રેડના ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે. આ પગલું એવા સમયે લેવાયું છે જ્યારે રશિયન તેલ કંપનીઓ પર પશ્ચિમી પ્રતિબંધો સખત બન્યા છે.

આ આયાત વધારાને અમેરિકા સાથેના વેપાર તણાવને ઘટાડવાની ભારતની વ્યૂહરચના સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ પ્રશાસને અગાઉ રશિયન તેલની ખરીદી ચાલુ રાખવા બદલ ભારતની આયાતી વસ્તુઓ પર 25% સુધીનો દંડરૂપી શુલ્ક લગાવ્યો હતો.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!