સુપ્રીમ કોર્ટની લાલ આંખ: દિવ્યાંગોની મજાક ઉડાવનાર કોમેડિયનોને મળી અનોખી સજા, હવે કરવા પડશે આ ખાસ કામ

સુપ્રીમ કોર્ટે દિવ્યાંગોની મજાક ઉડાવવા બદલ કોમેડિયન સમય રૈના અને અન્યને વિશેષ શો કરવાનો આદેશ આપ્યો છે. જાણો શું છે આખો મામલો અને ઓનલાઈન કન્ટેન્ટ માટે સરકારને 4 સપ્તાહમાં કડક નિયમો બનાવવાના નિર્દેશો.

નવી દિલ્હી, શુક્રવાર
સોશિયલ મીડિયા પર શું બોલવું અને શું બતાવવું, તેની કોઈ મર્યાદા છે કે નહીં? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોમેડિયન સમય રૈના દ્વારા દિવ્યાંગો પર કરાયેલી ટિપ્પણીના કેસમાં કોર્ટે એક અનોખો આદેશ આપ્યો છે, જે દંડ નથી પણ સામાજિક જવાબદારીનું ભાન કરાવે છે. આ સાથે જ કોર્ટે ઓનલાઈન અને OTT પ્લેટફોર્મ પર અશ્લીલ કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારને 4 સપ્તાહમાં કડક નિયમો બનાવવાનો આદેશ આપ્યો છે.

શું હતી દિવ્યાંગો પર ટિપ્પણીની ઘટના?
આ વર્ષની શરૂઆતમાં ‘India’s Got Latent’ નામના એક ઓનલાઈન શોમાં કોમેડિયન સમય રૈના, રણવીર અલ્હાબાદિયા અને અન્ય કલાકારોએ દિવ્યાંગો, ખાસ કરીને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) જેવી ગંભીર બીમારીથી પીડિત લોકોની મજાક ઉડાવી હતી. આ મામલે તેમની સામે દેશના અલગ-અલગ રાજ્યોમાં FIR પણ દાખલ થઈ હતી. Cure SMA India Foundation નામની સંસ્થાએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.

દંડ નહીં, પણ સામાજિક જવાબદારી નિભાવવી પડશે
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચે આ કેસમાં કલાકારો પર દંડ લગાવવાને બદલે તેમને સામાજિક જવાબદારી નિભાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ કોમેડિયનોએ હવે દર મહિને ઓછામાં ઓછા 2 એવા કાર્યક્રમો કરવા પડશે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓની સફળતાની ગાથાઓ રજૂ કરાય. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ SMA જેવી બીમારીઓની સારવાર માટે ભંડોળ એકઠું કરવાનો રહેશે. તેમણે પોતાના પ્લેટફોર્મ પર દિવ્યાંગોને આમંત્રિત કરવા પડશે જેથી જાગૃતિ ફેલાવી શકાય.
કોર્ટે નોંધ્યું કે સમય રૈના અને અન્ય કલાકારોએ પહેલાથી જ જાહેરમાં માફી માંગી લીધી હતી અને તેઓ સ્વેચ્છાએ આવા કાર્યક્રમો કરવા માટે તૈયાર પણ હતા.

ઓનલાઈન કન્ટેન્ટ પર કોઈ નિયમ કેમ નહીં?
આ જ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર પીરસાતા અશ્લીલ અને બેજવાબદાર કન્ટેન્ટ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી. ચીફ જસ્ટિસે કહ્યું, “શું એવું બની શકે કે હું મારી પોતાની ચેનલ બનાવું અને તેના પર જે બતાવવામાં આવે તેના માટે કોઈની જવાબદારી જ ન હોય? આવું ન ચાલી શકે.” કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ વિકૃતિ ફેલાવવાનો અધિકાર નથી.

સરકારને 4 સપ્તાહનો સમય
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પરના કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે 4 સપ્તાહની અંદર SC/ST એક્ટ જેવા કડક નિયમો ઘડવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે આ માટે એક સ્વતંત્ર અને નિષ્પક્ષ સંસ્થા હોવી જોઈએ, જે સરકારી પ્રભાવથી પણ મુક્ત હોય. સરકારે કોર્ટને જણાવ્યું છે કે આ દિશામાં નવા દિશાનિર્દેશો તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!