ચોંકાવનારો કિસ્સો: કલોલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક, આરોપી ઝડપાયો

ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઝડપી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડ્યો.

કલોલ, શુક્રવાર
કલોલ તાલુકાના છત્રાલ ગામે ફરજ પર રહેલી એક મહિલા હોમગાર્ડ પર એસિડ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. રિક્ષા યોગ્ય જગ્યાએ પાર્ક કરવાનું કહેવા જેવી સામાન્ય બાબતે રિક્ષાચાલકે આ કૃત્ય આચર્યું હતું. મહિલા હોમગાર્ડને સામાન્ય ઇજાઓ સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી રિક્ષાચાલકની ધરપકડ કરી છે.

ટ્રાફિક વ્યવસ્થા ગોઠવતી વખતે બની ઘટના
આ ઘટના આજે સવારે છત્રાલ ઓવરબ્રિજ નીચે બની હતી. ટ્રાફિક નિયમનની ફરજ બજાવી રહેલા હોમગાર્ડ જવાનો પૈકી એક મહિલા હોમગાર્ડે એક આડી ઊભેલી રિક્ષાના ચાલકને રિક્ષા યોગ્ય જગ્યાએ લેવા જણાવ્યું હતું. આટલી વાતથી રિક્ષાચાલક ઉશ્કેરાઈ ગયો અને મહિલા હોમગાર્ડ સાથે બોલાચાલી શરૂ કરી. અન્ય હોમગાર્ડ જવાનો ઘટનાસ્થળે પહોંચતા રિક્ષાચાલકને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે તેને સમજાવીને છોડી મૂક્યો હતો અને મહિલા હોમગાર્ડ પોતાની ફરજ પર પાછા ફર્યા હતા.

અદાવત રાખી રિક્ષાચાલકે એસિડ ફેંક્યું
પોલીસ મથકેથી છૂટ્યા બાદ પણ રિક્ષાચાલકના મનમાં આ બાબતે વેર રહી ગયું હતું. લગભગ અડધો કલાક પછી, તે હાથમાં એસિડ લઈને ફરી છત્રાલ ઓવરબ્રિજ નીચે પહોંચ્યો, જ્યાં મહિલા હોમગાર્ડ ફરજ બજાવી રહ્યા હતા. કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના, રિક્ષાચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકવાનું શરૂ કર્યું. અચાનક થયેલા હુમલાથી ગભરાયેલા મહિલા બચવા માટે ભાગવા લાગ્યા. આ હુમલામાં મહિલાને હાથ, ખભા અને ગળાના ભાગે ઇજાઓ પહોંચી છે.

પોલીસે આરોપીને ઝડપી પાડ્યો
હુમલો કર્યા બાદ રિક્ષાચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં અન્ય પોલીસકર્મીઓ પણ તરત સ્થળ પર પહોંચ્યા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ઝડપી તપાસ હાથ ધરી હતી અને ગણતરીના સમયમાં જ ફરાર રિક્ષાચાલકને ઝડપી પાડ્યો.

DySP પી. ડી. મનવરના જણાવ્યા અનુસાર, આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવ્યો છે અને ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!