દીકરીના પ્રેમલગ્નનો બદલો: ગાંધીનગરના મોટી આદરજમાં સસરા પક્ષનો જમાઈના પરિવાર પર તલવારથી ખૂની હુમલો, 5 લોકો ગંભીર રીતે ઘાયલ

ગાંધીનગરના મોટી આદરજ ગામમાં 3 વર્ષ જૂના પ્રેમલગ્નની અદાવતમાં યુવતીના પિયરીયાઓએ 11 સાગરીતો સાથે મળી જમાઈના પરિવાર પર ઘાતક હથિયારોથી હુમલો કર્યો. 5 લોકો ગંભીર રીતે ઘાયલ, એક ICUમાં દાખલ. જાણો સમગ્ર ઘટના.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર જિલ્લાના મોટી આદરજ ગામમાં એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. દીકરીએ 3 વર્ષ પહેલાં કરેલા પ્રેમલગ્નનો ખાર રાખીને તેના જ પિયર પક્ષના 11 જેટલા લોકોએ જમાઈના પરિવાર પર જીવલેણ હુમલો કર્યો છે. રાતના સમયે તલવાર, લાકડીઓ અને દાંતી જેવા ઘાતક હથિયારો સાથે આવેલા હુમલાખોરોએ એક જ પરિવારના 5 સભ્યોને લોહીલુહાણ કરી દીધા છે.

શું હતો સમગ્ર વિવાદ?
મોટી આદરજ ગામમાં રહેતા વિરમજી કાકુજી ઠાકોરે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટા દીકરા પરબતજીએ આજથી 3 વર્ષ પહેલાં તેમના જ કુટુંબી ભાઈ મોબતજી કલાજી ઠાકોરની દીકરી અંજના સાથે પ્રેમલગ્ન કર્યા હતા. લગ્ન પછી કોઈ વિવાદ ન થાય તે માટે આ દંપતી કલોલ રહેવા જતું રહ્યું હતું. પરંતુ, 5 દિવસ પહેલાં દીકરાની કોઈ બાધા પૂરી કરવાની હોવાથી તેઓ પોતાના વતન મોટી આદરજ ગામે આવ્યા હતા.

જમતી વખતે અચાનક તૂટી પડ્યા
દીકરી અને જમાઈ ગામમાં આવ્યા હોવાની જાણ થતાં જ યુવતીના પિતા મોબતજી ઠાકોર અને અન્ય લોકો ઉશ્કેરાયા હતા. રાતના સમયે જ્યારે વિરમજીનો પરિવાર શાંતિથી જમીને બેઠો હતો, ત્યારે અચાનક 11 જેટલા લોકો હાથમાં તલવાર અને ધોકા લઈને તેમના ઘરે ધસી આવ્યા હતા.

હુમલાખોરોએ બૂમાબૂમ અને ગાળાગાળી કરીને ધમકી આપી કે, “અમારી દીકરી અંજનાને બહાર કાઢો, આજે તો તમને જાનથી મારી નાખવા છે.” પરિસ્થિતિ બગડતી જોઈને પરિવારે અંજનાને બચાવવા માટે તેને એક રૂમમાં પૂરી દીધી હતી. પરંતુ ગુસ્સામાં આવેલા હુમલાખોરોએ વિરમજી, તેમના પત્ની, દીકરા અને 80 વર્ષના વૃદ્ધ માતા-પિતાને ઘરની બહાર ઓસરીમાં ઢસડી લાવીને ઢોર માર માર્યો હતો.

હુમલામાં કોને શું ઈજાઓ થઈ?
પરબતજી (દીકરો): માથાના ભાગે તલવારનો ગંભીર ઘા વાગતા હાલત નાજુક છે અને તેમને ICU માં દાખલ કરવામાં આવ્યા છે.
વિરમજી (પિતા): તલવારના ઘા રોકવા જતા બંને હાથમાં ફ્રેક્ચર થયું છે.
કાકુજી ઠાકોર (80 વર્ષના વૃદ્ધ): માથામાં ગંભીર ઈજા અને પગમાં ફ્રેક્ચર થવાથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

પોલીસ કાર્યવાહી શરૂ
હુમલાખોરો આટલેથી જ નહોતા અટક્યા, જતા જતા તેમણે ઘરની બહાર પડેલી અલ્ટો કારના કાચ તોડીને મોટું નુકસાન કર્યું હતું. આ ગંભીર ઘટના બાદ વિરમજીની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે મોબતજી કલાજી ઠાકોર, ગોગાજી કલાજી ઠાકોર અને પ્રવિણજી ઠાકોર સહિત કુલ 11 લોકો સામે હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધીને તમામ આરોપીઓને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!