સરગાસણ ચાર રસ્તા પર જાહેરમાં એક પરિવારના સભ્યો સાથે આરોપીઓએ મચાવેલી આ ધમાલ ખૂબ ચર્ચાનો વિષય બની હતી.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરમાં જાહેર સ્થળોએ આતંક મચાવતા અસામાજિક તત્વો સામે હવે પોલીસ સકંજો કસી રહી છે. ગાંધીનગરના SP દ્વારા કડક કાર્યવાહીના આદેશ બાદ, સરગાસણ ચાર રસ્તા પર યુવતી અને તેના ભાઈને માર મારવાના કેસમાં ખુદ પોલીસ જ ફરિયાદી બની છે. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કિસ્સાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગાંધીનગરમાં લુખ્ખાગીરી હવે નહીં ચાલે.
બેફામ રીતે કાર ચલાવતા એક યુવાનને યુવતીએ ધ્યાન રાખીને ગાડી ચલાવવાનું કહેતા, તે કારચાલક અને તેના મિત્રોએ યુવતીના ભાઈઓને માર માર્યો હતો. આ ઘટના સમયે હોમગાર્ડ અને પોલીસની હાજરી હોવા છતાં આ તત્વોએ જાહેરમાં આતંક મચાવ્યો હતો, જે ચિંતાનો વિષય બન્યો હતો.
પોલીસે લીધો એક્શન, આરોપીઓ સામે FIR
સેક્ટર-7 પોલીસ સ્ટેશનના PCR વાનના ડ્રાઈવર કોન્સ્ટેબલ નવીનકુમાર બકાજીએ સરકાર વતી ફરિયાદી બનીને આ પ્રકરણમાં ગાંધીનગરના કોલવડા ગામના રહેવાસી મનોજસિંહ સોલંકી, તેના મિત્ર જયજીતસિંહ બારડ અને તેમનો પક્ષ લઈને આવેલા અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ અને સેંકડો લોકોની હાજરીમાં જાહેરમાં ઝઘડો અને મારામારી કરવા બદલ તેમની સામે ગુનો દાખલ થયો છે.
ફરિયાદ મુજબ, આ ઘટના સરગાસણ ચાર રસ્તા પાસે પોલીસ ચોકીની બાજુમાં બની હતી. મનોજસિંહ અને જયજીતસિંહ ગાડી લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તરાશાબેન શર્મા નામની યુવતી અને તેના બે ભાઈઓ બાઈક પર હતા. આરોપીઓએ તેમની ગાડી તરાશાબેનની બાઈકની એકદમ નજીકથી કાઢી હતી. આથી તરાશાબેને તેમને ધ્યાન રાખીને ગાડી ચલાવવાનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને મારામારી પર ઉતરી આવ્યા હતા.
પોલીસની દરમિયાનગીરી છતાં ચાલુ રાખી બબાલ
ઘટના સ્થળે હાજર હોમગાર્ડ જવાને પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમ ત્યાં પહોંચી હતી. પોલીસે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, આરોપીઓએ માર મારવાનું ચાલુ રાખતા PCR વાનને બોલાવવામાં આવી હતી. તેમ છતાં આરોપીઓએ બબાલ ચાલુ રાખી હતી. આખરે તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.
સરગાસણ ચાર રસ્તા પર જાહેરમાં એક પરિવારના સભ્યો સાથે આરોપીઓએ મચાવેલી આ ધમાલ ખૂબ ચર્ચાનો વિષય બની હતી. શરૂઆતમાં પોલીસ દ્વારા કોઈ તાત્કાલિક કાર્યવાહી નહોતી થઈ, પરંતુ SP રવિ તેજા વાસમસેટ્ટીએ આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધા બાદ આખરે પોલીસ જ ફરિયાદી બનીને કડક પગલાં લીધા છે.










