ચાંદખેડાની સહજ રેસીડેન્સીમાં રહેતા અને ડોમીનોઝ પીઝા સ્ટોરમાં નોકરી કરતા ફરિયાદી અંજુ ધવલશાહ વર્માએ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગાંધીનગર, શુક્રવાર
અડાલજ સ્થિત વૈષ્ણદેવી સર્કલ પાસે આવેલા ડોમીનોઝ પીઝા સ્ટોરમાંથી એક કર્મચારીના પર્સમાંથી સોના-ચાંદીની વીંટીઓ અને રોકડ સહિત કુલ 74,000 રૂપિયાની મત્તાની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં એક સહકર્મચારી પર શંકાની સોય તાકાઈ છે.
ચાંદખેડાની સહજ રેસીડેન્સીમાં રહેતા અને ડોમીનોઝ પીઝા સ્ટોરમાં નોકરી કરતા ફરિયાદી અંજુ ધવલશાહ વર્માએ આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 14 જુલાઈના રોજ સ્ટોરના જનરલ ડિપાર્ટમેન્ટ મેનેજર પ્રમોદકુમાર બેરવાએ તમામ કર્મચારીઓને હાથમાંથી દોરા અને વીંટીઓ કાઢી રાખવા જણાવ્યું હતું. બપોરે લગભગ 1:00 વાગ્યે, અંજુએ પોતાની ત્રણ સોનાની અને એક ચાંદીની વીંટી પોતાના પર્સમાં મૂકી હતી. તે સમયે તેમની સાથે ઝૂંડાલ ગામની રિધ્ધી ઠાકોર નામની સહકર્મચારી હાજર હતી.
સાંજે નોકરી પૂરી થયા બાદ અંજુ ઘરે પરત ફર્યા હતા. બીજા દિવસે, જ્યારે તેમણે પોતાનું પર્સ તપાસ્યું, ત્યારે તેમાંથી વીંટીઓ અને 1,000 રૂપિયા રોકડા ગાયબ જણાયા હતા. તાત્કાલિક તેમણે આ અંગે મેનેજરને જાણ કરી હતી.
ચોરીની આ ઘટના બાદથી રિધ્ધી ઠાકોર નામની સહકર્મચારી નોકરી પર આવી નથી અને તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે, જેના કારણે તેના પર શંકા વધુ ઘેરી બની છે. કુલ 74,000 રૂપિયાની ચોરી અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.











