રશિયાએ ઓરેશ્નિક મિસાઈલથી યુક્રેન પર મોટો હુમલો કર્યો છે. પુતિનના ઘર પર ડ્રોન એટેકનો બદલો લેવા લ્વિવના ગેસ સ્ટોરેજને નિશાન બનાવાયું. જાણો આ ઘાતક હુમલા અને મિસાઈલની તાકાત વિશે વિગતે.

રશિયા, શુક્રવાર
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ખતરનાક વળાંક પર આવી પહોંચ્યું છે. રશિયાએ શુક્રવારે (9 જાન્યુઆરી) યુક્રેન પર પોતાની સૌથી શક્તિશાળી અને આધુનિક ગણાતી ઓરેશ્નિક (Oreshnik) મિસાઈલથી હુમલો કરીને ખળભળાટ મચાવી દીધો છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, આ હુમલો ડિસેમ્બર 2025માં રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના ઘર પર કરવામાં આવેલા ડ્રોન હુમલાનો જડબાતોડ જવાબ છે.
ક્યાં અને કેવી રીતે થઈ તબાહી?
રશિયાએ આ વખતે યુક્રેનના પશ્ચિમ વિસ્તારમાં આવેલા લ્વિવ ને નિશાન બનાવ્યું છે. મળતી માહિતી મુજબ, રશિયાએ છોડેલી આ ઘાતક મિસાઈલ સ્ટ્રાઇ શહેર પાસે આવેલી યુક્રેનની સૌથી મોટી અન્ડરગ્રાઉન્ડ ગેસ સ્ટોરેજ ફેસિલિટી પર ખાબકી હતી.
આ હુમલાની અસર એટલી ભયંકર હતી કે આખા લ્વિવ વિસ્તારમાં ગેસનું પ્રેશર ઘટી ગયું છે અને અનેક જગ્યાએ ગેસનો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. હાલ ત્યાં કડકડતી ઠંડી પડી રહી છે, તેવામાં ગેસ સપ્લાય ખોરવાઈ જતા સામાન્ય નાગરિકોની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.
એક જ રાતમાં ડ્રોન અને મિસાઈલોનો વરસાદ
8 અને 9 જાન્યુઆરી, 2026ની રાત્રે યુક્રેન પર રશિયાએ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં રશિયાએ કુલ 242 ડ્રોન અને 36 મિસાઈલો છોડી હતી, જેમાં ખતરનાક ઓરેશ્નિક મિસાઈલનો પણ સમાવેશ થાય છે. એવું માનવામાં આવે છે કે શિયાળાની ઋતુમાં યુક્રેનના એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર (વીજળી અને ગેસ) ને તોડી પાડીને તેને હરાવવાની આ રશિયાની રણનીતિ છે.
પુતિનના ઘર પર હુમલાનો વિવાદ
રશિયાનું કહેવું છે કે યુક્રેને નવગોરોડ વિસ્તારમાં આવેલા પુતિનના નિવાસસ્થાન પર ડ્રોનથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના બદલામાં આ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, યુક્રેને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. બીજી તરફ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ રશિયાના દાવાને ખોટો ગણાવતા કહ્યું છે કે પુતિનના ઘર પર કોઈ હુમલો થયો નથી.
નાટો દેશોમાં ફફડાટ
તમને જણાવી દઈએ કે, દુનિયામાં ઓરેશ્નિક મિસાઈલનો આ બીજો જ ઉપયોગ છે. આ પહેલા નવેમ્બર 2024માં રશિયાએ ડિનિપ્રો શહેર પર આ મિસાઈલ છોડીને પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. આ વખતનો હુમલો પોલેન્ડની બોર્ડરથી માત્ર 75 કિલોમીટર દૂર થયો છે, જેના કારણે નાટો દેશોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
કેમ ખાસ છે ઓરેશ્નિક મિસાઈલ?
ઓરેશ્નિક રશિયાની સૌથી આધુનિક હાઈપરસોનિક બેલિસ્ટિક મિસાઈલ છે, જેને રોકવી લગભગ અશક્ય છે. તેની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
ઝડપ: આ મિસાઈલ અવાજની ગતિ કરતા અનેકગણી ઝડપી એટલે કે હાઈપરસોનિક સ્પીડ કલાકના 12,000થી 13,000 કિ.મી. થી ઉડે છે.
રેન્જ: તે 3000 થી 5500 કિલોમીટર સુધીના લક્ષ્યને ભેદી શકે છે.
ખાસ ટેકનોલોજી: આ મિસાઈલ MIRV ટેકનોલોજીથી સજ્જ છે. એટલે કે એક જ મિસાઈલમાં 3 થી 6 અલગ-અલગ વોરહેડ્સ (બોમ્બ) હોય છે, જે અલગ-અલગ જગ્યાએ હુમલો કરી શકે છે.
બંને પ્રકારના હુમલા: તે પરમાણુ અને પરંપરાગત બંને પ્રકારના હથિયારો લઈ જઈ શકે છે.
અજેય: તેની ગતિ એટલી વધારે છે કે હાલની કોઈપણ એર ડિફેન્સ સિસ્ટમ તેને પકડી શકતી નથી.
આ મિસાઈલનો ઉપયોગ કરીને રશિયાએ પશ્ચિમી દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની પાસે નવી પેઢીના અત્યંત વિનાશક હથિયારો મૌજુદ છે.











