ઈરાનમાં સરકાર વિરોધી પ્રદર્શનો હિંસક બન્યા છે. એક ઈરાની ડોક્ટરે દાવો કર્યો છે કે માત્ર તહેરાનમાં જ 217 પ્રદર્શનકારીઓના મોત થયા છે. જાણો ઈરાનની વર્તમાન ભયાનક સ્થિતિ અને સરકારની ચેતવણી વિશે.

ઈરાન, શનિવાર
ઈરાનમાં ઈસ્લામિક શાસન સામે ચાલી રહેલો વિરોધ હવે લોહિયાળ બની ગયો છે. સરકાર અને પ્રદર્શનકારીઓ વચ્ચેનો સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો છે. આ દરમિયાન ઈરાનની રાજધાની તહેરાનથી એક ડાય હચમચાવી નાખે તેવા સમાચાર સામે આવ્યા છે. એક ઈરાની ડોક્ટરે દાવો કર્યો છે કે સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં સેંકડો લોકોના જીવ ગયા છે.
ડોક્ટરનો સનસનીખેજ દાવો: 217 લોકોના મોત?
એક ઈરાની ડોક્ટરે પોતાની ઓળખ છુપાવવાની શરતે એક મોટો ખુલાસો કર્યો છે. આ ડોક્ટરના જણાવ્યા મુજબ, માત્ર રાજધાની તહેરાનની 6 હોસ્પિટલોમાં જ 217 જેટલા પ્રદર્શનકારીઓના મોતના આંકડા નોંધાયા છે. ડોક્ટરનો દાવો છે કે આમાંથી મોટાભાગના લોકોના મોત સુરક્ષા દળોની ગોળી વાગવાથી થયા છે. જોકે, ટાઈમ મેગેઝિને સ્પષ્ટતા કરી છે કે તેઓ આ આંકડાઓની સ્વતંત્ર રીતે તપાસ કરી શક્યા નથી, પરંતુ જો આ વાત સાચી હોય તો ઈરાનમાં સ્થિતિ કેટલી ભયાનક છે તેનો અંદાજ લગાવી શકાય છે.
આર્થિક સંકટથી શરૂ થયેલું આંદોલન હવે આઝાદીની લડાઈ
ઈરાનમાં આ વિરોધ પ્રદર્શનોની શરૂઆત 28 ડિસેમ્બરના રોજ આર્થિક તંગી અને મોંઘવારી સામે થઈ હતી. પરંતુ હવે આ આગ ઈરાનના તમામ 31 પ્રાંતોમાં ફેલાઈ ગઈ છે અને લોકોનો ગુસ્સો ઈસ્લામિક શાસન વિરુદ્ધ ફાટી નીકળ્યો છે. રસ્તાઓ પર ઉતરેલા લોકો હવે આઝાદી અને તાનાશાહ મુર્દાબાદના નારા લગાવી રહ્યા છે અને શાસનને ઉખાડી ફેંકવાની માંગ કરી રહ્યા છે.
મશીનગનથી ફાયરિંગ અને યુવાનોના મોત
ડોક્ટરે આપેલી માહિતી મુજબ, જેમ-જેમ વિરોધ ઉગ્ર બન્યો તેમ સરકારનું દમન પણ વધતું ગયું. ઉત્તરી તહેરાનમાં એક પોલીસ સ્ટેશનની બહાર તો મશીનગનથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં ઘણા લોકો ત્યાં જ ઢળી પડ્યા હતા. મૃત્યુ પામનારાઓમાં સૌથી મોટી સંખ્યા યુવાનોની છે. શુક્રવારે હોસ્પિટલોમાંથી મૃતદેહોને ખસેડવામાં આવ્યા હતા તેવું પણ જાણવા મળ્યું છે. બીજી તરફ, ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકારીઓએ તહેરાનની અલ-રસૂલ મસ્જિદને આગ ચાંપી દીધી હોવાના અહેવાલો પણ મળ્યા છે.
સરકારની ધમકી: બાળકોને દૂર રાખો, નહીંતર…
પ્રદર્શનકારીઓને ડામવા માટે ઈરાની સરકાર અને સેના કડક વલણ અપનાવી રહી છે. સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામૈનીએ સ્પષ્ટ કહ્યું છે કે ઈસ્લામિક રિપબ્લિક તોફાનીઓ સામે ઝૂકશે નહીં. તેહરાનના સરકારી વકીલે ચેતવણી આપી છે કે પકડાયેલા પ્રદર્શનકારીઓને મોતની સજા પણ થઈ શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના એક અધિકારીએ તો વાલીઓને ચીમકી આપી છે કે તેઓ પોતાના બાળકોને પ્રદર્શનથી દૂર રાખે, અને જો ગોળી વાગે તો પછી ફરિયાદ કરવા ના આવે.
સાચા આંકડા કયા? અમેરિકાની ચેતવણી
ઈરાનમાં મીડિયા પર સરકારનું કડક નિયંત્રણ હોવાથી મોતના સાચા આંકડા જાણવા મુશ્કેલ છે. વોશિંગ્ટન સ્થિત હ્યુમન રાઈટ્સ એક્ટિવિસ્ટ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે, જેમાં 49 સામાન્ય નાગરિકો છે. માનવાધિકાર સંગઠનોના આંકડા અને ડોક્ટરના દાવા વચ્ચે મોટો તફાવત જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મામલે ઝંપલાવ્યું છે. તેમણે ઈરાની સરકારને ચેતવણી આપતા કહ્યું છે કે જો પ્રદર્શનકારીઓની હત્યા કરવામાં આવી તો તેના પરિણામો ખૂબ જ ગંભીર આવશે.











