સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025: 26 જુલાઈથી શરૂ, 23 દિવસીય કલા-સંસ્કૃતિનો મહાઉત્સવ

આ 23 દિવસ દરમિયાન રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, વિવિધ સેલ્ફી ઝોન, થીમ પેવેલિયન ઇવેન્ટ્સ અને અનેક પારંપરિક રમતોનું પણ આયોજન કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મનોરંજન અને આકર્ષણનું કેન્દ્ર બનશે.

સાપુતારા, મંગળવાર
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન, સાપુતારા ખાતે આગામી 26 જુલાઈ, 2025 થી 17 ઑગસ્ટ, 2025 સુધી ભવ્ય ‘સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025’નું આયોજન કરવામાં આવ્યું છે. 23 દિવસ સુધી ચાલનારો આ ફેસ્ટિવલ ગુજરાત અને અન્ય રાજ્યોની સમૃદ્ધ કલા-સંસ્કૃતિનો અનોખો સંગમ બનશે.

ભવ્ય કાર્નિવલ પરેડથી શુભારંભ
આ ફેસ્ટિવલનો શુભારંભ 26 જુલાઈના રોજ સવારે 9 કલાકે એક ભવ્ય કાર્નિવલ પરેડ સાથે થશે. આ પરેડમાં ગુજરાત સહિત કુલ 13 રાજ્યોના 354 કલાકારો ભાગ લેશે, જેઓ પોતાની પરંપરાગત કલાના દર્શન કરાવશે. આ ફેસ્ટિવલની તમામ એક્ટિવિટીઝ અને રજિસ્ટ્રેશન અંગેની વિગતવાર માહિતી reg.orangerose.in પર ઉપલબ્ધ છે.

23 દિવસ દરમિયાન અદ્ભુત કાર્યક્રમોની ભરમાર
આ 23 દિવસીય ફેસ્ટિવલ દરમિયાન દર સપ્તાહના અંતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારો ઉપરાંત કેરળનું પ્રખ્યાત થેકકિનકાડુ અટ્ટમ મ્યુઝિકલ બેન્ડ પણ પોતાની પ્રસ્તુતિ રજૂ કરશે.

વિવિધ રાજ્યોના નૃત્યોનો સંગમ
ઉદ્ઘાટન અને સ્ટેજ કાર્યક્રમોમાં કુલ 14 રાજ્યો – ગુજરાત, તમિલનાડુ, કેરલ, મણિપુર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક અને હરિયાણાના 87 કલાકારો દ્વારા અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિઓ જોવા મળશે. આમાં ડાંગી, બેડા ગરબા, હોલી ડાન્સ, મણિયારો, યશગાના, પુંગ, રૌફ, ટિપ્પણી, ભરતનાટ્યમ, મોહોનીઅટ્ટમ, નાટી, કથકલી, મણિપુરી રાસ, લાંગા, કલબેલિયા, ડોલુકુનીથા, ધાન્ગ્રી, ભાંગડા, ઘુમ્મર, છાઉ ડાન્સ, બિહુ અને કથક જેવા પારંપરિક નૃત્યોનો સમાવેશ થાય છે.

સંગીત અને મનોરંજન સાથે પારંપરિક રમતો
ફેસ્ટિવલના પ્રથમ સપ્તાહને ટ્રાઇબલ હેરિટેજ વીક તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવશે, જે આદિવાસી સંસ્કૃતિ અને વારસાને ઉજાગર કરશે. અન્ય સાપ્તાહિક કાર્યક્રમોમાં ગીતા રબારી, પાર્થ ઓઝા, રાગ મહેતા જેવા ગુજરાતના જાણીતા કલાકારો સંગીતમય માહોલ બનાવશે.

આ 23 દિવસ દરમિયાન રેઇન ડાન્સ, ફોરેસ્ટ ટ્રેલ, વિવિધ સેલ્ફી ઝોન, થીમ પેવેલિયન ઇવેન્ટ્સ અને અનેક પારંપરિક રમતોનું પણ આયોજન કરવામાં આવશે, જે મુલાકાતીઓ માટે મનોરંજન અને આકર્ષણનું કેન્દ્ર બનશે. સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ 2025 ગુજરાતના પર્યટનને વેગ આપવા સાથે કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!