સેક્ટર-7 ચોરીનો ભેદ: 10 વર્ષથી કામ કરતી વિશ્વાસુ કામવાળી પર જ 31 લાખથી વધુની મત્તા ચોરવાનો ગંભીર આરોપ

ગાંધીનગરના સેક્ટર-7-બીમાં 75 વર્ષીય વૃદ્ધના ઘરમાંથી સોના-ચાંદી અને રોકડ મળી કુલ 31.22 લાખથી વધુની ચોરી. 10 વર્ષથી કામ કરતી નોકરાણી પર ચોરીનો ગંભીર આરોપ. જાણો સમગ્ર ઘટના.

ગાંધીનગર, શુક્રવાર
ગાંધીનગરના સેક્ટર-7-બી વિસ્તારમાં એક ચોંકાવનારી ચોરીનો બનાવ સામે આવ્યો છે. અહીં રહેતા 75 વર્ષીય રમણલાલ ભીખાભાઈ ઠક્કરના ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ મળીને કુલ 31 લાખ 22 હજાર 470ની માતબર મત્તાની ચોરી થઈ છે. સૌથી ગંભીર બાબત એ છે કે આ ચોરીનો આરોપ છેલ્લા 10 વર્ષથી ઘરમાં કામ કરતી તેમની વિશ્વાસુ નોકરાણી પર મૂકવામાં આવ્યો છે.

માત્ર ચાવી હતી, અંદરનો સામાન ગાયબ
પોલીસને આપેલી ફરિયાદ મુજબ, આ ચોરીનો બનાવ 21 સપ્ટેમ્બરના રોજ બન્યો હતો. રમણલાલ ઠક્કર તે દિવસે સવારે બેંકમાંથી 1 લાખ રોકડા લઈને આવ્યા હતા અને તે પૈસા બેડરૂમમાં રાખેલા ફર્નિચરવાળા લોકરમાં મૂક્યા હતા. ઉતાવળમાં દવા અને નાસ્તો લેવા માટે તેઓ સેક્ટર-7ના શોપિંગ સેન્ટર ગયા હતા. જતાં-જતાં તેઓ લોકરને લોક કરવાનું ભૂલી ગયા હતા અને લોકરની ચાવી પણ તેના પર લટકતી મૂકી દીધી હતી. એ સમયે ઘરમાં માત્ર તેમની માનસિક રીતે દિવ્યાંગ 43 વર્ષીય દીકરી હાજર હતી. જ્યારે રમણલાલ શોપિંગમાંથી પરત ફર્યા અને પૈસાનું પેમેન્ટ કરવા માટે બેડરૂમમાં ગયા, ત્યારે જોયું કે લોકરની ચાવી હજુ પણ ત્યાં જ લટકતી હતી, પણ અંદર રાખેલો કિંમતી સામાન ગાયબ હતો.

31 લાખથી વધુની ચોરીની વિગત
વૃદ્ધે વધુ તપાસ કરતા માલૂમ પડ્યું કે લોકરમાંથી 29.90 લાખની કિંમતના સોનાની લગડીઓ અને દાગીના, 31,970 ની કિંમતના ચાંદીના સિક્કા, 1 લાખ રોકડા, અને મિશ્ર ધાતુના 4 બાઉલ અને 5 ચમચી મળીને કુલ 31,22,470ની મત્તાની ચોરી થઈ હતી.

દિવ્યાંગ દીકરીની જુબાની, 10 વર્ષની નોકરાણી શંકાના ઘેરામાં
આટલી મોટી ચોરી થતાં રમણલાલે ઘરે હાજર તેમની દિવ્યાંગ દીકરીને પૂછપરછ કરી. દીકરીએ જણાવ્યું કે, તે દિવસે ઘરમાં માત્ર છેલ્લા 10 વર્ષથી કચરા-પોતાનું કામ કરતા અલ્પાબેન રાજેશભાઈ દત્ત (રહે. સેક્ટર-7-બી) જ આવ્યા હતા, જે કામ પતાવીને જતા રહ્યા હતા. તેમના સિવાય બીજું કોઈ આવ્યું નહોતું.

આ જુબાનીના આધારે રમણલાલે નોકરાણી અલ્પા દત્તની પૂછપરછ કરી, પણ તેમણે કોઈ સંતોષકારક જવાબ ન આપતાં વૃદ્ધે પોતાના દીકરાને વાત કરી અને અલ્પાબેન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે આ મામલે સઘન તપાસ શરૂ કરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!