બિહારની રાજનીતિમાં મોટો ધમાકો: તેજસ્વી યાદવનો મેગા જોબ પ્લાન, હર ઘર સરકારી નોકરીનું વચન

બિહારની ચૂંટણી પહેલા રાજદ નેતા તેજસ્વી યાદવે સૌથી મોટું વચન આપ્યું છે. જાણો શું છે તેમનો ‘હર ઘર સરકારી નોકરી’ આપવાનો પ્લાન, જે અંતર્ગત 20 મહિનામાં બિહારના દરેક બેરોજગાર પરિવારને સરકારી નોકરી મળશે.

પટના, શુક્રવાર
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. વિપક્ષી રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના નેતા તેજસ્વી યાદવે રાજ્યના લોકોને એક એવું મોટું વચન આપ્યું છે, જેણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. તેજસ્વી યાદવે સ્પષ્ટપણે કહ્યું છે કે જો તેમની સરકાર બનશે, તો બિહારના દરેક પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે.

તેમણે કહ્યું કે બિહારની જનતા હવે પરિવર્તન માટે તૈયાર છે. અમારી પાર્ટી માત્ર સામાજિક ન્યાય પર જ નહીં, પણ આર્થિક ન્યાય પર પણ સમાન રીતે કામ કરશે.

‘20 મહિનામાં એક પણ ઘર બેરોજગાર નહીં રહે’
તેજસ્વી યાદવના કહેવા પ્રમાણે, જે પરિવારોમાં કોઈની પાસે સરકારી નોકરી નથી, તેમના માટે એક નવો કાયદો બનાવવામાં આવશે અને તેના દ્વારા ફરજિયાતપણે નોકરી આપવામાં આવશે. તેમણે સમયમર્યાદા આપતા કહ્યું કે સરકાર બન્યાના માત્ર 20 દિવસની અંદર આ નવો કાયદો તૈયાર થઈ જશે. તેમનું લક્ષ્ય ઘણું મોટું છે, આગામી 20 મહિનામાં બિહારમાં એવું એક પણ ઘર નહીં હોય, જ્યાં કોઈ સરકારી નોકરી કરતું ન હોય.

આ વાતને શક્ય ગણાવતા તેમણે કહ્યું કે, “આ કામ અશક્ય નથી, આ માટે માત્ર ઇચ્છાશક્તિની જરૂર છે.” તેમણે વર્તમાન 20 વર્ષની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે કોઈ ઈચ્છાશક્તિ બતાવી નથી. તેમણે એવો દાવો પણ કર્યો કે તેમની પાર્ટી જે યોજનાઓ જાહેર કરી રહી છે, તેની નકલ બીજા પક્ષો કરી રહ્યા છે.

‘જોબ યાની જશ્ન-એ-બિહાર’
તેજસ્વી યાદવે સરકારી નોકરીના આ વચનને એક રસપ્રદ નામ આપ્યું છે: ‘જૉબ યાની જશ્ન-એ-બિહાર’. તેમણે કહ્યું કે જ્યારે દરેક ઘરમાં સરકારી નોકરી હશે, ત્યારે તેનો અર્થ એ થશે કે હવે આ સરકારને કોઈ એક-બે વ્યક્તિ નહીં, પણ આખો બિહાર ચલાવશે, એટલે કે દરેક ઘરનો વ્યક્તિ સરકારનો હિસ્સો બનશે. તેમણે સૂત્ર પણ આપ્યું: “હો સરકારમાં ભાગીદારી, હર યુવા કી હો હિસ્સેદારી, તેથી તેજસ્વી સરકાર આપશે હર પરિવારને સરકારી નોકરી.”

નીતિશ સરકાર પર આકરા પ્રહાર
રાજદ નેતાએ વર્તમાન નીતિશ કુમારની સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આ 20 વર્ષની NDA સરકાર પાકા આવાસ કે સસ્તું રાશન જેવી મૂળભૂત વસ્તુઓ પણ દરેક ઘર સુધી પહોંચાડી શકી નથી, જ્યારે તેમની સરકાર દરેક પરિવારને સીધી સરકારી નોકરી આપશે. તેમણે કહ્યું કે સરકારી નોકરીથી પરિવારની બધી જ તકલીફો આપોઆપ દૂર થઈ જશે.

તેજસ્વી યાદવે દાવો કર્યો કે નીતિશ કુમારની સરકાર લોકોને માત્ર બેરોજગાર જ રાખવા માંગે છે. એટલે જ તેઓ ચૂંટણી સમયે માત્ર બેરોજગારી ભથ્થાની વાત કરે છે, પણ નોકરી આપવાની વાત કરતા નથી. અંતમાં તેમણે ફરી ભારપૂર્વક કહ્યું કે બિહારની જનતા હવે આર્થિક અને સામાજિક ન્યાય માટે પરિવર્તન ઝંખી રહી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!