દિવાળીની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. રાત્રે ૧૦ વાગ્યે આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૯ પર પહોંચી ગયો,

દિવાળીની પૂર્વ સંધ્યાએ દિલ્હીમાં પ્રદૂષણના સ્તરમાં જબરદસ્ત વધારો નોંધાયો છે. રાત્રે ૧૦ વાગ્યે આનંદ વિહાર વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) ૪૦૯ પર પહોંચી ગયો, જે ‘ગંભીર’ શ્રેણીમાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર (NCR) અને આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તા ‘ખૂબ જ ખરાબ’ સ્તરે પહોંચી જતાં, વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન આયોગ (CAQM) એ ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP)ના બીજા તબક્કા હેઠળ તમામ જરૂરી પગલાં તાત્કાલિક લાગુ કરવાનો આદેશ આપ્યો છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં દિલ્હીનો સરેરાશ AQI વધુ બગડીને ૩૦૬ નોંધાયો હતો, જે ‘ખૂબ જ ખરાબ’ શ્રેણી અને ‘રેડ ઝોન’ના દાયરામાં આવે છે. દિલ્હીમાં AQIના આંકડાઓમાં ભારે વધારો થવાને કારણે ૩૮માંથી ૨૪ મોનિટરિંગ સ્ટેશનો રેડ ઝોનમાં આવી ગયા છે, જ્યાં AQI ૩૦૦ને પાર પહોંચ્યો છે.
હવામાન વિભાગે સોમવારે સવારે ધુમ્મસ છવાયેલું રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. જોકે ચિંતાની વાત એ છે કે, દિવાળીના બીજા દિવસે એટલે કે મંગળવાર અને બુધવારના રોજ વાયુ ગુણવત્તા વધુ ખરાબ થવાની સંભાવના છે, જેના કારણે તે ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચી જવાની આશંકા છે. અગાઉ ૧૪ ઓક્ટોબરના રોજ AQI ૨૦૦ને પાર થતાં GRAPનો પ્રથમ તબક્કો લાગુ કરવામાં આવ્યો હતો.










