વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી વચ્ચે તાજેતરમાં મુલાકાત થઈ હતી.

વોશિંગ્ટન ડીસી સ્થિત વ્હાઇટ હાઉસમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી વચ્ચે તાજેતરમાં મુલાકાત થઈ હતી, જે ઘણી ગરમાગરમીભરી રહી. આ બેઠક દરમિયાન ટ્રમ્પે ઝેલેન્સકીને રશિયાના પ્રસ્તાવને સ્વીકારવાની આકરી સલાહ આપી હતી. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જો યુક્રેન રશિયાની શરતો પર સહમત નહીં થાય, તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનને તબાહ કરી દેશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક ઘણી વખત ઝઘડા જેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી, જેમાં ટ્રમ્પ સતત ગુસ્સામાં બોલતા રહ્યા અને અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો. બેઠક દરમિયાન ટ્રમ્પે યુક્રેનના યુદ્ધ ક્ષેત્રના નકશા એક તરફ ફેંકી દીધા અને ઝેલેન્સકીને કહ્યું કે તેમને પુતિનને સમગ્ર ડોનબાસ ક્ષેત્ર સોંપી દેવું જોઈએ. ટ્રમ્પે ઝેલેન્સકીને ચેતવણી પણ આપી કે યુક્રેન આ યુદ્ધ હારી રહ્યું છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકી વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા, તેમને આશા હતી કે તેમને રશિયા સામે લડવા માટે નવા હથિયારોનો સૈન્ય સપોર્ટ મળશે. જોકે, ટ્રમ્પે આશા પર પાણી ફેરવી દીધું અને સ્પષ્ટ કર્યું કે તેમનું ધ્યાન હવે યુક્રેનની સૈન્ય તાકાત વધારવા પર નહીં, પરંતુ શાંતિ કરાર કરાવવા પર કેન્દ્રિત છે.










