ઈમરજન્સી વિભાગની ઊંઘતી બેદરકારી, શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં

ન તો તબીબ હાજર હતા, ન તો કોઈ તાત્કાલિક સારવાર માટે હાજર સ્ટાફ : હોસ્પિટલના તબીબ અને સ્ટાફ ફરજ દરમ્યાન રૂમમાં ઊંઘતો હોવાનો વીડિયો દર્દીએ જાતે રેકોર્ડ કરી સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો

શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં

અમદાવાદ, શુક્રવાર : અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી AMC સંચાલિત શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આજે વહેલી સવારે છાતીમાં દુઃખાવાની તાકીદભરી ફરિયાદ સાથે સારવાર માટે આવેલા દર્દીને ઈમરજન્સી વિભાગમાં વિલંબનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલના તબીબ અને સ્ટાફ ફરજ દરમ્યાન રૂમમાં ઊંઘતો હોવાનો વીડિયો દર્દીએ જાતે રેકોર્ડ કરી સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો, જે જોતજોતામાં વાઇરલ થઈ ગયો છે. ન તો તબીબ હાજર હતા, ન તો કોઈ તાત્કાલિક સારવાર માટે હાજર સ્ટાફ. આ દરમિયાન દર્દીએ એક કલાક સુધી રાહ જોઈ હતી. અંતે તેમણે તપાસ કરતાં તબીબ અને નર્સિંગ સ્ટાફ રૂમમાં સૂતા હોવાનું જોવા મળ્યું.આ ઘટના બાદ હોસ્પિટલે ઘેરા પ્રશ્નો ઊભા કર્યા છે, ખાસ કરીને ત્યારે જ્યારે ઈમરજન્સી વિભાગ સતત 24×7 કાર્યરત રહેવાની મહત્વની જવાબદારી ધરાવે છે.

પૂર્વ અમદાવાદની એએમસી સંચાલિત શારદાબેન અને એલ.જી. બંને હોસ્પિટલો કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતી રહે છે. ત્યારે આજે સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં વહેલી સવારે ઈમરજન્સી વિભાગનો સ્ટાફ મીઠી નિંદર માણી રહ્યો હોય, છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે આવેલા દર્દીએ સારવાર માટે એક કલાકથી વધુ સમય રાહ જોવી પડી હતી. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતા ચકચાર જાગી છે. સરસપુરની શારદાબેન હોસ્પિટલના વાઇરલ થયેલા વીડિયો અનુસાર આજે સવારે છ વાગ્યાના અરસામાં એક દર્દી છાતીમાં દુ:ખાવાની ફરિયાદ સાથે સારવાર લેવા માટે આવ્યા હતા. તેઓ જ્યારે દવાખાને પહોંચ્યા ત્યારે તબીબ કે સ્ટાફ જગ્યા પર હાજર નહોતો. પૂછપરછ કરતા તબીબ હમણાં આવશે, તેવો જવાબ મળ્યો હતો. અડધો કલાક સુધી દર્દી રાહ જોયા બાદ પણ કોઇ ફરક્યું ન હતું. પરિણામે દર્દીએ અંદર જઈને તપાસ કરતા તબીબ અને નર્સિંગ સ્ટાફ ઊંઘી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. બાદમાં દર્દીએ વીડિયો બનાવીને પોતાની વ્યથા સાથે સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, ઈમરજન્સી વિભાગ દવાખાનામાં સૌથી અગત્યનો વિભાગ હોય છે. અહીં સતત 24 કલાક સ્ટાફ ફરજ પર હાજર રાખવામાં આવે છે. પરંતુ રાત્રિની પાળીનો સ્ટાફ મોટાભાગે રૂમમાં જઈને ઉંઘી જતો હોય છે. આજની બેદરકારી અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા બાદ સુપ્રિટેન્ડન્ટ દ્વારા સીએમઓને કારણદર્શક નોટિસ ફટકારીને ખુલાસો માંગવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!