
સંગીતક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી રહેલા ગુજરાતના ઉભરતા ગાયક શિવાયના નવા ગીત ‘Earring’ (ઇયરિંગ)નું ગાંધીનગરની હોટલ ધ લીલા ખાતે ધમાકેદાર લોન્ચિંગ થયું. સંગીતના મધુર સૂર અને નવીન રજૂઆત સાથે સંગીતપ્રેમીઓને નવી ભેટ આપવાના ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંત્રી રીવાબા જાડેજાની વિશેષ ઉપસ્થિતિ
આ લોન્ચિંગ પ્રસંગે ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રીવાબા જાડેજા ગાયક શિવાયની બહેન છે. પોતાના ભાઈના આ બીજા ગીતના લોન્ચ પ્રસંગે તેમણે ગર્વની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “શિવાયે માત્ર 6 વર્ષની નાની ઉંમરથી સંગીતની તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. તેની સતત સાધના બાદ આજે તેનું આ બીજું ગીત લોન્ચ થઈ રહ્યું છે. આ ગીતનું મ્યુઝિક ખૂબ જ સુંદર છે અને યુવા વર્ગને કનેક્ટ કરવાનો ઉત્તમ પ્રયાસ કરાયો છે.”
તેમણે ઉમેર્યું કે સંગીતમાં ઓડિયન્સ સાથે કનેક્ટ થવું ખૂબ જરૂરી છે અને શિવાય પોતાની જગ્યા જરૂર હાંસલ કરશે. નવરાત્રીના તહેવાર દરમિયાન સોશિયલ મીડિયા થકી આ ગીતને વધુ લોકો સુધી પહોંચાડવા તેમણે અપીલ કરી હતી.
લાઈવ પર્ફોર્મન્સ અને ટીમની હાજરી
કાર્યક્રમમાં ગીતની સમગ્ર સ્ટાર કાસ્ટ અને ટીમ હાજર રહી હતી. ગાયક શિવાય ઉપરાંત ફીચરિંગ એક્ટ્રેસ રીવા અરોરા, ડાયરેક્ટર રામજી ગુલાંટી, મ્યુઝિક ડાયરેક્ટર સની ઇન્દર અને લિરિસિસ્ટ કુમાર ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આર.જે. લવ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગીતનો વીડિયો રજૂ થયા બાદ ઉપસ્થિતોની ફરમાઇશ પર શિવાયે ‘Earring’ ગીત લાઈવ ગાઈને પ્રસ્તુત કર્યું હતું. તેમના મધુર અવાજે સૌના દિલ જીતી લીધા હતા.











