હોસ્ટેલમાં સુતેલા 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવીક્વીક નાખવામાં આવતા હડકંપ, ઓડિશાની ઘટનાએ મચાવ્યો ખળભળાટ

ઓડિશાના કંધમાલ જિલ્લામાં આવેલી સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવીક્વીક નાખવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બાદ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરાયા છે.

ઓડિશા, રવિવાર
ઓડિશાના કંધમાલ જિલ્લાના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલની હોસ્ટેલમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની છે. અહીં રાત્રે સુતેલા 8 વિદ્યાર્થીઓની આંખોમાં તેમના જ સાથીદારોએ ફેવીક્વીક નાખી દીધું, જેના કારણે તેમની આંખો ચોંટી ગઈ હતી. આ ઘટના સામે આવતા જ હોસ્ટેલ અને સ્કૂલ મેનેજમેન્ટમાં હડકંપ મચી ગયો છે.

ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી. જ્યારે વિદ્યાર્થીઓ રાબેતા મુજબ હોસ્ટેલના રૂમમાં સૂઈ રહ્યા હતા, ત્યારે કેટલાક અજાણ્યા વિદ્યાર્થીઓએ આ કૃત્ય આચર્યું. ફેવીક્વીક નાખવામાં આવતા પીડિત વિદ્યાર્થીઓની આંખો સંપૂર્ણપણે ચોંટી ગઈ અને તેઓ આંખો ખોલી શક્યા નહોતા. આ ઘટના બાદ તાત્કાલિક તેમને નજીકની ગોછાપાડા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી કેટલાક વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

ડોક્ટર્સે આ વાતની પુષ્ટિ કરી છે કે વિદ્યાર્થીઓની આંખોમાં ફેવીક્વીક નાખવામાં આવ્યું હતું, જેના કારણે આંખોને થોડું નુકસાન પણ થયું છે. જોકે, સમયસર સારવાર મળવાને કારણે કોઈ મોટી દુર્ઘટના થતી અટકી ગઈ છે.

આ ગંભીર ઘટના બાદ સ્થાનિક પ્રશાસન અને સ્કૂલ મેનેજમેન્ટ સફાળું જાગ્યું છે. કંધમાલના કલ્યાણ અધિકારીએ તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લીધી અને પીડિત વિદ્યાર્થીઓ તથા ડોક્ટર્સ સાથે વાતચીત કરી. કલેક્ટરે પણ આ સમગ્ર મામલાની વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. હાલ, પોલીસે આ ઘટના પાછળનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. પરંતુ આ પ્રકારના હુમલાએ હોસ્ટેલના વાતાવરણ પર અનેક સવાલો ઉભા કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!