ગુજરાતની 9000 પોસ્ટ ઓફિસોમાં પાસબુકની અછત, 2 કરોડ ખાતેદારોના નાણાં જોખમમાં, કોંગ્રેસે વ્યક્ત કરી મોટા કૌભાંડની આશંકા

ગુજરાતની 9000 પોસ્ટ ઓફિસોમાં 2 મહિનાથી પાસબુક-FD બુકની અછત! ગ્રાહકોને માત્ર સ્લીપ અપાતા 2 કરોડ લોકોના નાણાં જોખમમાં. જાણો કોંગ્રેસે કેમ કરી મોટા કૌભાંડની આશંકા.

ગાંધીનગર, બુધવાર
સામાન્ય રીતે મધ્યમ વર્ગ, ખેડૂતો અને સિનિયર સિટીઝન પોતાના પરસેવાની કમાણી સાચવવા માટે બેંકો કરતા પોસ્ટ ઓફિસ પર વધુ ભરોસો મૂકતા હોય છે. પરંતુ હાલમાં ગુજરાતની પોસ્ટ ઓફિસોની સ્થિતિ ચિંતાજનક બની છે. રાજ્યની અંદાજે 9000 જેટલી પોસ્ટ ઓફિસોમાં છેલ્લા 2 મહિનાથી પાસબુક અને ફિક્સ ડિપોઝીટ (FD) બુક સહિતની જરૂરી સ્ટેશનરી જ ખૂટી પડી છે. આ ગંભીર મુદ્દે હવે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.

ખાતેદારોને પાસબુકની જગ્યાએ પકડાવી દેવાય છે માત્ર સ્લીપ
કોંગ્રેસના દાવા મુજબ, પોસ્ટ ઓફિસમાં નાણાંકીય સેવાઓ માટેના પ્રિન્ટિંગ મશીનો બંધ હાલતમાં છે. આ કારણસર નવા ખાતા ખોલાવનાર કે નવી FD કરાવનાર લાખો રોકાણકારોને પાસબુક આપવાને બદલે માત્ર સિક્કો મારેલી એક સાદી સ્લીપ પકડાવી દેવામાં આવે છે. આ પરિસ્થિતિને લીધે ગુજરાતના અંદાજિત 2 કરોડ જેટલા ખાતેદારોની મૂડી સીધી રીતે જોખમમાં મુકાઈ છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આપણે એક તરફ ડિજિટલ ઇન્ડિયાની મોટી મોટી વાતો કરીએ છીએ, પરંતુ જમીની હકીકત એ છે કે ગરીબ અને મધ્યમ વર્ગ જે પોસ્ટલ સર્વિસ પર નભે છે ત્યાં સ્ટેશનરી જ નથી.”

ગુજરાતની પોસ્ટ ઓફિસોનો વ્યાપ અને અસરગ્રસ્ત યોજનાઓ
રાજ્યમાં પોસ્ટ ઓફિસનું મોટું નેટવર્ક છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં કુલ 9000 જેટલી પોસ્ટ ઓફિસો છે. આમાંથી 1000 પોસ્ટ ઓફિસ શહેરોમાં અને 8000 ગામડાઓમાં આવેલી છે. જેમાં અંદાજે 2 કરોડથી વધુ ખાતાઓ ચાલી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી સામાન્ય બચત ખાતું, રિકરિંગ ડિપોઝિટ (RD), ફિક્સ ડિપોઝિટ (FD), સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ, માસિક આવક યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) કે કિસાન વિકાસ પત્ર જેવી તમામ મહત્વની સ્કીમમાં પાસબુક ઉપલબ્ધ નથી.

કડક નિયમો માત્ર ગ્રાહકો માટે? કૌભાંડની ભીતિ
કોંગ્રેસે પોસ્ટ ઓફિસના બેવડા વલણ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો કોઈ સામાન્ય માણસની પાસબુક ખોવાઈ જાય કે ફાટી જાય, તો તેને નવી પાસબુક કઢાવવા માટે 300 રૂપિયાની એફિડેવિટ કરવી પડે છે અને પોલીસ ફરિયાદની નકલ પણ આપવી પડે છે. પરંતુ અત્યારે પોસ્ટ ઓફિસ પોતે જ લાખો ગ્રાહકોને સ્ટેટમેન્ટને બદલે માત્ર એક સામાન્ય પે-સ્લિપ પર સિક્કો મારીને આપી રહી છે. ગુજરાતમાં રોજનું હજારો કરોડ રૂપિયાનું ટર્નઓવર આ જ રીતે ચાલી રહ્યું છે. સર્વર બંધ રહેવા અને પ્રિન્ટિંગના અભાવે ભવિષ્યમાં લાખો-કરોડો રૂપિયાના ગોટાળા કે ફ્રોડ થવાની પૂરી સંભાવના છે.

કોંગ્રેસની સરકારને સીધી ચીમકી
કોંગ્રેસ નેતાએ સરકારને સવાલ કર્યો છે કે જે લોકો બેંકોના જોખમથી બચીને પોતાની આર્થિક સુરક્ષા માટે પોસ્ટ પર ભરોસો કરે છે, તેમને સરકાર કઈ રીતે સુરક્ષા આપી રહી છે? ગ્રાહકો પાસે સામાન્ય પે-સ્લિપ સિવાય પોતાના જમા પૈસાની બીજી કોઈ પાકી સાબિતી નથી. કોંગ્રેસે ચીમકી આપી છે કે જો આ 2 કરોડ ખાતેદારો માટે તાત્કાલિક ધોરણે પાસબુક અને સ્ટેશનરીની વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો ભવિષ્યમાં થનારા કોઈપણ નાણાકીય ગેરવહીવટ કે નુકસાન માટે સંપૂર્ણપણે સરકાર જ જવાબદાર રહેશે. હજારો પેન્ડિંગ અરજીઓનો સત્વરે નિકાલ લાવવાની માંગ ઉઠી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!