નરોડા વિસ્તારમાં તસ્કરોનો તરખાટ : 4 લાખથી વધુની ચોરી, પોલીસ કાર્યવાહી સામે સવાલો

તસ્કરોએ રોકડ અને દાગીના ઉઠાવી લીધા હોવા છતાં, પોલીસે FIR નોંધવામાં બે દિવસનો સમય લીધો

અમદાવાદ, રવિવાર
નરોડા વિસ્તારમાં આવેલા સૂર્યાંશ વિલા બંગ્લોઝમાં રહેતા આકાશ પટેલના ઘરે 27 જૂનના રોજ વહેલી સવારે તસ્કરોએ તરખાટ મચાવી હતી. ઘરમાંથી તસ્કરોએ રોકડ અને દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. સવારે 6.30 વાગ્યે ચોરીની જાણ થતાં જ ઘરના માલિક આકાશ પટેલે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમ 100 નંબર પર જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદીને પોલીસ સ્ટેશન લઈ જઈ ફરિયાદ નોંધાવી હતી, પરંતુ FIR નોંધવામાં આવી નહોતી.

પોલીસ કાર્યવાહીમાં બે દિવસનો વિલંબ
ફરિયાદીના જણાવ્યા મુજબ, ઘટનાના દિવસે સવારથી સાંજ સુધી પોલીસ તરફથી કોઈ પંચનામું કે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) તપાસ માટે કોઈ ટીમ ઘરે આવી નહોતી. બપોરના સમયે બે પોલીસકર્મી CCTV ફૂટેજ જોવા આવ્યા હતા. અને રથયાત્રાનું કારણ આપી સાંજ સુધીમાં અન્ય ટીમ આવશે તેમ જણાવી પરત ફર્યા હતા, પરંતુ 27મી જૂને રાત્રિ સુધી કોઈ આવ્યું નહોતું. 28મી જૂનના રોજ પણ સવાર સુધી કોઈ પોલીસ કાર્યવાહી ન થતા ફરિયાદી બપોરે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને PI (પોલીસ ઇન્સ્પેક્ટર) પણ હાજર નહોતા.

આખરે, 28મી જૂન, 2025ના રોજ રાત્રે 11.30 વાગ્યે, એટલે કે ચોરી થયાના લગભગ 40 કલાક બાદ, પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી હતી. આટલા લાંબા સમય સુધી ઘરની ચોરી થયેલી હાલતમાં રાખવાથી સુરક્ષાને લઈને ભોગ બનનાર પરિવારમાં ભયનો માહોલ છે. ફરિયાદીએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, જ્યાં સુધી પંચનામું ન થાય ત્યાં સુધી તેઓ ઘરની સ્થિતિમાં ફેરફાર પણ કરી શકતા નથી, જે તેમની સલામતી માટે જોખમી બની શકે છે.

બિલ્ડરની બેદરકારી અને બિનકાર્યક્ષમ CCTV કેમેરા
આ ઘટનામાં સોસાયટીના બિલ્ડર ‘વસાણી – સન બિલ્ડકોન’ ની બેદરકારી પણ સામે આવી છે. ફરિયાદીએ જણાવ્યું કે, ચોરીની ઘટના બાદ જ્યારે CCTV ફૂટેજ જોવા માટે પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે સોસાયટીના મોટાભાગના CCTV કેમેરા કાર્યરત નથી. બિલ્ડરના સુપરવાઇઝરે મોડેથી આવીને ફોનમાં જે ફૂટેજ બતાવ્યા, તેમાં પણ કેમેરા બંધ હોવાનું સામે આવ્યું.

એક નિયમ મુજબ, કોઈપણ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા કાર્યરત હોવા જોઈએ અને તેમનું રેકોર્ડિંગ ઓછામાં ઓછું ૩૦ દિવસ સુધી જાળવવું ફરજિયાત છે. જોકે, આ સોસાયટીમાં કેમેરા બંધ હોવા ઉપરાંત માત્ર 7 દિવસનું જ રેકોર્ડિંગ થતું હોવાનું સામે આવ્યું છે. જે પોલીસ કમિશનરના જાહેરનામાનો સીધો ભંગ છે. જો CCTV કેમેરા કાર્યરત હોત તો કદાચ આ ચોરીની ઘટના બની ન હોત અથવા આરોપીઓને ઝડપવામાં મદદ મળી હોત.

ફરિયાદીએ પોલીસ પાસેથી ઝડપી તપાસ અને બિલ્ડર સામે કાયદેસરની કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે આ ઘટનાએ સોસાયટીઓમાં સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ કાર્યવાહીની ગતિશીલતા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. ફરિયાદીએ પોલીસ પાસેથી આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની અને બિલ્ડર વિરુદ્ધ તેમની બેદરકારી બદલ કાયદેસરના પગલાં લેવાની માંગ કરી છે. આ ઘટનાએ શહેરમાં સોસાયટીઓની સુરક્ષા વ્યવસ્થા અને પોલીસ તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!