Supreme Courtમાં 3 નવા જજોએ લીધા શપથ, સુનીતા અગ્રવાલ સહિત ત્રણની નિમણૂક

સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા ન્યાયાધીશોએ શપથ લીધા છે. જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહની નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત જજોની સંખ્યા 37 થઈ છે. સુનીતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટની 13મી મહિલા જજ બન્યા છે.

 

સુપ્રીમ કોર્ટમાં ત્રણ નવા ન્યાયાધીશોએ પદના શપથ લીધા છે. જસ્ટિસ સુનીતા અગ્રવાલ, જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહએ 6 ઓક્ટોબરે શપથ લીધા હતા. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતએ ત્રણેયને શપથ લેવડાવ્યા હતા. આ નિમણૂક બાદ સુપ્રીમ કોર્ટમાં કાર્યરત ન્યાયાધીશોની સંખ્યા 37 થઈ છે, જ્યારે મંજૂર સંખ્યા 38 છે. 

ગુજરાત હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં

જસ્ટિસ સુનીતા અગ્રવાલ સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત થનાર 13મી મહિલા ન્યાયાધીશ બન્યા છે. તેમની નિમણૂક સાથે સુપ્રીમ કોર્ટમાં કાર્યરત મહિલા ન્યાયાધીશોની સંખ્યા હવે ત્રણ થઈ છે. અન્ય બે મહિલા જજ જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ વી. મોહના છે.જસ્ટિસ સુનીતા અગ્રવાલ અગાઉ ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ 2023માં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા. સુપ્રીમ કોર્ટની સત્તાવાર માહિતી અનુસાર, તેમણે 6 ઓક્ટોબર 2026થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે કાર્યભાર સંભાળ્યો છે.

દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને અપારેશ કુમાર સિંહ પણ સુપ્રીમ કોર્ટમાં

જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય સુપ્રીમ કોર્ટમાં નિમણૂક પહેલાં દિલ્હી હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેમનું મૂળ હાઇકોર્ટ અલાહાબાદ હાઇકોર્ટ છે.જસ્ટિસ અપારેશ કુમાર સિંહ અગાઉ તેલંગાણા હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમનું મૂળ હાઇકોર્ટ ઝારખંડ હાઇકોર્ટ છે.

28 સપ્ટેમ્બરે કોલેજિયમે કરી હતી ભલામણ

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 28 સપ્ટેમ્બર 2026ના રોજ ત્રણેય ન્યાયાધીશોના નામોની સુપ્રીમ કોર્ટમાં નિમણૂક માટે ભલામણ કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે 5 ઓક્ટોબરે તેમની નિમણૂકને મંજૂરી આપી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમની નિમણૂકને મંજૂરી આપી હતી.ત્રણેય ન્યાયાધીશોએ 6 ઓક્ટોબરે પદના શપથ લીધા બાદ સુપ્રીમ કોર્ટમાં તેમની સત્તાવાર કામગીરી શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટની 7 ઓક્ટોબરની Cause Listમાં પણ ત્રણેય નવા ન્યાયાધીશોના નામ સામેલ છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!