સુપ્રીમ કોર્ટની લાલ આંખ: WhatsApp-Meta ઘૂંટણીયે, હવે યુઝર્સની મંજૂરી વગર ડેટા શેરિંગ નહીં થાય!

સુપ્રીમ કોર્ટની કડકાઈ સામે વોટ્સએપ અને મેટાએ હથિયાર હેઠા મૂક્યા છે. હવે ભારતીય યુઝર્સનો ડેટા અન્ય મેટા એપ્સ સાથે શેર કરવા માટે કંપનીએ યૂઝર્સની મંજૂરી લેવી પડશે. જાણો શું છે આ નવો ફેરફાર.

નવી દિલ્હી, મંગળવાર
ભારતમાં કરોડો લોકોના મોબાઈલમાં રહેલા વોટ્સએપ (WhatsApp) અને તેની પેરેન્ટ કંપની મેટા (Meta) ને આખરે સુપ્રીમ કોર્ટ સામે નમવું પડ્યું છે. લાંબા સમયથી ચાલી રહેલા ડેટા પ્રાયવસી વિવાદમાં સુપ્રીમ કોર્ટના કડક વલણ બાદ કંપનીએ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા (CCI) ની તમામ શરતો સ્વીકારી લીધી છે. આ નિર્ણયને ભારતીય યુઝર્સની ડિજિટલ સુરક્ષા માટે એક મોટી જીત માનવામાં આવી રહી છે.

હવે તમારી પ્રાઈવેટ જાણકારી કોઈની જાગીર નથી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વોટ્સએપ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું હતું કે હવે લોકોની ખાનગી માહિતી પર માત્ર તેમનો જ હક રહેશે. કંપનીએ ખાતરી આપી છે કે તેઓ CCI ના આદેશોનું પૂરેપૂરું પાલન કરશે. હવે યુઝર્સ પાસે તે વિકલ્પ હશે કે તેઓ પોતાનો ડેટા ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી અન્ય મેટા કંપનીઓ સાથે શેર કરવા માંગે છે કે નહીં. ખાસ કરીને જાહેરાતો માટે થતા ડેટા શેરિંગ પર હવે યુઝર્સનું સંપૂર્ણ નિયંત્રણ રહેશે.

16 માર્ચ 2026 સુધીમાં થશે અમલ
કોર્ટમાં આપવામાં આવેલા ભરોસા મુજબ, પ્રાયવસી સુરક્ષાના આ નવા અને કડક નિયમો 16 માર્ચ 2026 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરી દેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કંપનીની રોક લગાવવાની અરજીને ફગાવી દીધી છે, જેનાથી હવે વોટ્સએપ પાસે નિયમો માનવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.

મુખ્ય ફેરફારો જે તમારે જાણવા જરૂરી છે
સહમતિનો વિકલ્પ: હવે વોટ્સએપે યુઝર્સને એક ઓપ્ટ-આઉટ અથવા સહમતિનો વિકલ્પ આપવો પડશે. તમારી મંજૂરી વગર તમારો ડેટા બીજી એપ પર નહીં જાય.
જાહેરાતો પર લગામ: એડવર્ટાઇઝિંગ માટે જે રીતે ડેટા શેર થતો હતો, તેના પર હવે CCI ની ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષા કવચ લાગુ થશે.
કોર્ટમાં સોગંદનામું: કંપનીએ હવે CCI સમક્ષ એક પાલન સોગંદનામું પણ ફાઈલ કરવું પડશે.

શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત વર્ષ 2021 માં થઈ હતી જ્યારે વોટ્સએપે તેની નવી પ્રાયવસી પોલિસી રજૂ કરી હતી. આ પોલિસી મુજબ, યુઝર્સનો ડેટા ફરજિયાતપણે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે શેર કરવાની યોજના હતી. CCI એ તેને યુઝર્સના અધિકારોનું હનન ગણાવીને રોક લગાવી હતી. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ત્યારે કોર્ટે કંપનીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે, “કાં તો ભારતના કાયદા માનો, અથવા દેશ છોડી દો!”

આખરે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ટેક જાયન્ટ મેટાએ નમતું જોખ્યું છે, જે ભારતના કરોડો ઇન્ટરનેટ યુઝર્સ માટે રાહતના સમાચાર છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!