બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે યુનુસે તેમને અંધારામાં રાખી મનસ્વી રીતે સરકાર ચલાવી અને રાષ્ટ્રપતિના નામે નકલી પત્રો પણ લખ્યા.

ઢાકા, મંગળવાર
બાંગ્લાદેશના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. દેશની અંતરિમ સરકારની મુદત પૂરી થતાની સાથે જ રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મૌન તોડ્યું છે અને મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ પર આકરા પ્રહારો કર્યા છે. રાષ્ટ્રપતિએ ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું છે કે યુનુસ સરકારમાં રાષ્ટ્રપતિના પદને માત્ર એક ‘રબર સ્ટેમ્પ’ બનાવી દેવામાં આવ્યું હતું અને તમામ નિર્ણયો તેમની મરજી વિરુદ્ધ લેવામાં આવ્યા હતા.
14થી 15 વિદેશ પ્રવાસો, પણ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત શૂન્ય
રાષ્ટ્રપતિ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે, આટલી ટૂંકી મુદતમાં યુનુસ 14 થી 15 વખત વિદેશ પ્રવાસે ગયા હતા. પ્રોટોકોલ મુજબ, સરકારના વડા કે વિદેશ મંત્રી જ્યારે પણ વિદેશ જાય અથવા ત્યાંથી પરત ફરે, ત્યારે તેમણે રાષ્ટ્રપતિની મુલાકાત લેવી અનિવાર્ય છે. તેઓ ત્યાં શું કરવાના છે અને શું કાર્યવાહી કરી છે તેની માહિતી આપવી જોઈએ. પરંતુ, યુનુસે એક પણ વાર આ શિષ્ટાચાર જાળવ્યો નથી. તેઓ આખા વર્ષમાં માંડ એકાદ વાર ટૂંકી મુલાકાત માટે આવ્યા હતા.
રાષ્ટ્રપતિના નામે બનાવટી પત્રનો પર્દાફાશ
સૌથી ચોંકાવનારો ખુલાસો કરતા શહાબુદ્દીને જણાવ્યું કે, તેમને કતાર અને કોસોવો તરફથી આંતરરાષ્ટ્રીય મંચ પર હાજર રહેવા માટે આમંત્રણ મળ્યા હતા. કોઈપણ દેશના રાષ્ટ્રપતિ માટે આવા આમંત્રણો ગર્વની વાત હોય છે. પરંતુ મોહમ્મદ યુનુસે રાષ્ટ્રપતિને જાણ કર્યા વગર જ તેમના નામે એક બનાવટી પત્ર તૈયાર કર્યો હતો.
આ પત્રમાં એવું લખવામાં આવ્યું હતું કે, “રાષ્ટ્રપતિ અત્યારે બંધારણીય કાર્યોમાં એટલા વ્યસ્ત છે કે તેઓ આવી શકે તેમ નથી, તેથી માફ કરશો.” આ વાત કરતા શહાબુદ્દીન ભાવુક થઈ ગયા હતા અને સવાલ કર્યો હતો કે, શું કોઈ રાષ્ટ્રપતિ એટલા વ્યસ્ત હોઈ શકે કે દેશનું પ્રતિનિધિત્વ કરવા આંતરરાષ્ટ્રીય સ્તરે ન જઈ શકે?
બંધારણ વિરુદ્ધના કાયદાઓ લાગુ કર્યા
રાષ્ટ્રપતિએ માત્ર વિદેશ યાત્રા જ નહીં, પરંતુ કાયદાકીય બાબતોમાં પણ યુનુસ સરકારની મનમાનીનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે યુનુસે ઘણા એવા કાયદાઓ ઘડ્યા હતા જે સીધા બંધારણની વિરુદ્ધ હતા. આ કાયદાઓ લાગુ કરતા પહેલા રાષ્ટ્રપતિની સંમતિ, સહી કે મૌખિક મંજૂરી પણ લેવામાં આવી નહોતી. શહાબુદ્દીને ઉમેર્યું કે આ પ્રકારના ગેરબંધારણીય પગલાંઓને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે બાંગ્લાદેશની પ્રતિષ્ઠાને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.
બાંગ્લાદેશમાં જ્યારે નવી સરકારની રચના થવાની તૈયારીઓ છે, ત્યારે રાષ્ટ્રપતિના આ ખુલાસાએ મોહમ્મદ યુનુસની મુશ્કેલીઓ વધારી દીધી છે. રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ હવે બાંગ્લાદેશના રાજકારણમાં નવો વળાંક આવવાની પૂરેપૂરી શક્યતા છે.











