ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન સોર્સ અને બાતમીના આધારે ભીલવાડાના કેમરી ગામેથી આરોપીની ધરપકડ : વેશપલ્ટો કરી આરોપીને ઝડપી લીધો

ગાંધીનગર, શનિવાર : ગાંધીનગર જિલ્લામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓ સામે ચાલી રહેલા કોમ્બિંગ અભિયાન દરમિયાન ગાંધીનગર LCB-2ને વધુ એક મહત્વની સફળતા મળી છે. ચિલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલા આરોપીને રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કેમરી ગામેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી બાદ ચિલોડા પોલીસને સોંપવામાં આવ્યો છે.
ગાંધીનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા ગાંધીનગરના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં લાંબા સમયથી ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ કોમ્બિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી અંતર્ગત LCB-2ના PI કે.જે. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ દરમિયાન PSI કે.કે. પાટડીયાના માર્ગદર્શન હેઠળની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે ચિલોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી ફરાર રહેલો આરોપી પ્રકાશ નારાયણજી કુમાવત, જે મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના કેમરી ગામનો રહેવાસી છે, તે હાલ પોતાના વતનમાં છુપાયો છે.
બાતમીના આધારે LCB-2ની ટીમ રાજસ્થાન પહોંચી હતી. પોલીસે કેમરી ગામમાં કેમ્પ ગોઠવી વેશપલ્ટો કરીને આરોપીની હિલચાલ પર નજર રાખી હતી. ઓળખ પ્રસ્થાપિત થયા બાદ પોલીસે સફળ ઓપરેશન ચલાવી આરોપીને ઝડપી પાડ્યો હતો.
ધરપકડ બાદ આરોપીને ગાંધીનગર લાવી જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને ચિલોડા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સમગ્ર કામગીરીમાં PI કે.જે. રાઠોડ, PSI કે.કે. પાટડીયા, હેડ કોન્સ્ટેબલ મિલનકુમાર બળદેવભાઈ, હેડ કોન્સ્ટેબલ દિગ્વીજયસિંહ ચંદનસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ સહિતની ટીમે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.











