અમદાવાદમાં શેરબજારમાં 20% રિટર્નની લાલચમાં એક યુવાને 22 લાખ રૂપિયા ગુમાવ્યા. સાયબર ઠગોએ SEBI ના નકલી સર્ટિફિકેટ બતાવી ફસાવ્યો. જાણો આ ઓનલાઈન ફ્રોડની સંપૂર્ણ વિગત.

અમદાવાદ, રવિવાર
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં ઓનલાઈન ફ્રોડ અને સાયબર ક્રાઇમના કેસો સતત વધી રહ્યા છે. લોકો શેરબજારમાં રાતોરાત અમીર બનવાની લાલચમાં પોતાની જીવનભરની કમાણી ગુમાવી રહ્યા છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદના વેજલપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં શેરબજારમાં ઊંચા રિટર્નની લાલચમાં એક યુવાને 22 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
વોટ્સએપ લિંકથી બિછાવી છેતરપિંડીની જાળ
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ અમદાવાદના વેજલપુરમાં રહેતા 35 વર્ષીય સચિન કાકડે એક જાણીતી ફાર્મા કંપનીમાં સિનિયર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. ગત ફેબ્રુઆરી મહિનામાં તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. આ મેસેજમાં F5 Indian Stock Market Investor Discussion Group માં જોડાવા માટેની એક લિંક હતી.
સચિનભાઈ આ ગ્રુપમાં જોડાયા, જ્યાં જતીન શર્મા નામના એક વ્યક્તિએ પોતે વેલ્થ અલાયન્સ ગ્રુપનો મેમ્બર હોવાનું કહીને શેરબજારની ટિપ્સ આપવાનું ચાલુ કર્યું હતું.
ઠગાઈ માટે નકલી એપ અને બોગસ દસ્તાવેજોનો ઉપયોગ
સાયબર ઠગોએ સચિનભાઈનો વિશ્વાસ જીતવા માટે તેમને FARLY LLP નામની એક શંકાસ્પદ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું. યુવાનને કોઈ શંકા ન જાય તે માટે ભેજાબાજોએ સેબી (SEBI) અને U.S. Securities and Exchange Commission ના સિક્કા મારેલા નકલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મોકલી આપ્યા. આવા હાઈ-ટેક દસ્તાવેજો જોઈને સચિનભાઈને પૂરો વિશ્વાસ આવી ગયો અને તેમણે રોકાણ કરવાની શરૂઆત કરી દીધી.
2.49 કરોડનો નફો બતાવી 22 લાખ પડાવ્યા
અહીં જાણો ઠગોએ કેવી રીતે પૂરી ગેમ રમી શરુઆતમાં સચિનભાઈએ જે પણ રોકાણ કર્યું, તેના પર એપમાં 10 થી 20 ટકા જેટલો નફો દેખાડવામાં આવતો હતો. વધુ નફાની લાલચમાં આવીને તેમણે અલગ-અલગ બેન્ક ખાતાઓ દ્વારા ધીમે ધીમે કુલ 22 લાખ રૂપિયાનું મોટું રોકાણ કરી દીધું. થોડા સમય પછી તેમના ટ્રેડિંગ એકાઉન્ટમાં 2.49 કરોડ રૂપિયાનો અધધ નફો જમા થયેલો દેખાવા લાગ્યો. જ્યારે સચિનભાઈએ આ નફાની રકમ ઉપાડવાની કોશિશ કરી, ત્યારે અસલી ખેલ શરૂ થયો. ઠગોએ તેમને કહ્યું કે જો આ રકમ ઉપાડવી હોય તો ટેક્સ પેટે વધુ 30,74,861 રૂપિયા ભરવા પડશે. ટેક્સના નામે આટલી મોટી રકમની માંગણી થતાં જ સચિનભાઈ ચોંકી ગયા અને તેમને પોતાની સાથે થયેલી છેતરપિંડીનો અહેસાસ થઈ ગયો.
પોલીસ ફરિયાદ અને તપાસ શરૂ
પોતાની પરસેવાની કમાણીના 22 લાખ રૂપિયા ડૂબી ગયાની જાણ થતાં જ સચિનભાઈએ તાત્કાલિક અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દોડી જઈને ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને જે બેન્ક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, તેની ડિટેલ કઢાવીને ઠગો સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી દીધી છે. શેરબજારના નામે થતા આવા ફ્રોડથી બચવા માટે અજાણી લિંક કે એપ પર ભરોસો ન કરવા પોલીસે લોકોને અપીલ કરી છે.











