ગાંધીનગરના યુવાનને ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના વર્ક વિઝા અપાવવાના બહાને અમદાવાદની ટાઈટેનિયમ સીટી સેન્ટર સ્થિત કન્સલ્ટન્સીના બે ભાગીદારોએ 18.65 લાખની છેતરપિંડી આચરી. જાણો કેવી રીતે યુવાનને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો અને શું છે સમગ્ર મામલો.

ગાંધીનગર, બુધવાર
વિદેશમાં સારી નોકરી અને સેટલ થવાના સપના જોતા યુવાનોને ટાર્ગેટ કરીને અમદાવાદ સ્થિત એક કન્સલ્ટન્સીના બે ભાગીદારોએ ગાંધીનગરના એક યુવાન સાથે મોટી છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સરગાસણ વિસ્તારમાં રહેતા અને અમદાવાદમાં ઓપરેશન મેનેજર (ટેકનિકલ) તરીકે નોકરી કરતા આકાશ હર્ષદકુમાર પટેલ નામના યુવાનને ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાના બહાને કુલ 18.65 લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો છે.
રેફરન્સથી પહોંચ્યા કન્સલ્ટન્સીની ઓફિસ
મળતી માહિતી મુજબ, આકાશ પટેલે વર્ષ 2014માં ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. નોકરી દરમિયાન સાથે કામ કરતા એક સહકર્મી થકી તેમને દક્ષ કૈલાશગીરી ગોસ્વામીનો રેફરન્સ મળ્યો હતો. 12 ઓગસ્ટ, 2023ના રોજ આકાશ પટેલે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં ટાઈટેનિયમ સીટી સેન્ટર ખાતે આવેલી દક્ષ ગોસ્વામીની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી.
પ્રોફાઇલ ચેક કર્યા પછી, દક્ષે આકાશને ન્યૂઝીલેન્ડના વર્ક પરમિટ વિઝા અપાવવાનું વચન આપ્યું હતું અને 17 ઓગસ્ટ, 2023ના રોજ આ અંગે એગ્રીમેન્ટ પણ કરવામાં આવ્યો હતો. આકાશ પાસેથી ચેક અને રોકડ સ્વરૂપે નિયમિત રીતે રકમ લેવાનું શરૂ કરવામાં આવ્યું હતું.
ન્યૂઝીલેન્ડમાંથી ઓસ્ટ્રેલિયાની ફાઈલ કરાવી
પ્રોસેસ આગળ વધતા, 5 ફેબ્રુઆરી, 2024ના રોજ આકાશને કીવી ફાર્મિંગ એન્ટરપ્રાઇઝ લિમિટેડનો ઓફર લેટર અને 19 ફેબ્રુઆરી, 2024ના રોજ ન્યૂઝીલેન્ડ વર્ક વિઝા એપ્રુવલ લેટર પણ મોકલવામાં આવ્યો હતો. આ દરમિયાન, આકાશે દક્ષના પાર્ટનર અને સુરતની ઓફિસ સંભાળતા આરોહી પટેલનો પણ સંપર્ક શરૂ કર્યો હતો.
જોકે, જુલાઈ 2024માં આરોહી પટેલે આકાશને ચોંકાવનારી વાત કરી. તેમણે જણાવ્યું કે ન્યૂઝીલેન્ડની વિઝા પ્રોસેસ આગળ વધી રહી નથી. આકાશે જે રકમ ચૂકવી હતી, તેને ધ્યાનમાં રાખીને આરોહી પટેલે તેમને તે જ રકમમાં ઓસ્ટ્રેલિયાના વર્ક પરમિટ વિઝાની ફાઈલ તૈયાર કરી આપવાનું વચન આપ્યું. આકાશ પટેલે તેમના કહેવા મુજબ પીટીઈ પરીક્ષા પાસ કરી, પીસીસી અને મેડિકલ પણ કરાવ્યું હતું.
ઇન્સ્ટાગ્રામ વીડિયોએ ખોલી પોલ
સમય જતાં આકાશે દક્ષ ગોસ્વામી અને આરોહી પટેલને ચેક, ફોન-પે, આરટીજીએસ અને રોકડ સ્વરૂપે અલગ-અલગ તારીખો પર કુલ 18.65 લાખ રૂપિયા ચૂકવી દીધા. વિઝા માટે ફોલો-અપ ચાલુ જ હતું, પરંતુ એક દિવસ આકાશને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો જોવા મળ્યો. આ વીડિયોમાં દક્ષ ગોસ્વામી સામે વિઝા અપાવવાના બહાને છેતરપિંડીનો ક્રાઈમ બ્રાંચમાં ગુનો નોંધાયો હોવાની માહિતી હતી.
આ જાણીને આકાશ ચોંકી ગયો અને તેણે તાત્કાલિક દક્ષનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પણ તેનો ફોન બંધ આવતો હતો.
પાર્ટનરે પણ હાથ અધ્ધર કર્યા
આખરે આકાશે આરોહી પટેલનો સંપર્ક કર્યો અને પોતાના પૈસા પાછા માગ્યા. ત્યારે આરોહી પટેલે સ્પષ્ટ જવાબ આપી દીધો કે, “પૈસા બાબતે મારી સાથે વાત નહિ કરવાની. તમે દક્ષ સાથે વાત કરી લો અને તમારે જે કંઈ કાયદેસર કરવું હોય તે કરી લો.”
આ મોટી છેતરપિંડીના મામલે આકાશ પટેલે ગાંધીનગર રેન્જ સીઆઈડી ક્રાઈમ પોલીસમાં દક્ષ ગોસ્વામી અને આરોહી પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટના ફરી એકવાર વિદેશ જવા માંગતા યુવાનો માટે ચેતવણીરૂપ છે કે તેઓ વિઝા કન્સલ્ટન્સીની પસંદગી કરતી વખતે પૂરતી કાળજી અને સતર્કતા રાખે.











