ભારત છોડવાની દોડ! એક જ વર્ષમાં 2 લાખથી વધુ ભારતીયોએ નાગરિકતા છોડી, છેલ્લા 5 વર્ષમાં 9 લાખનો આંકડો પાર

2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી. છેલ્લા પાંચ વર્ષમાં 8.96 લાખ લોકોએ વિદેશમાં વસવાટ કરવા માટે ભારતનો પાસપોર્ટ સરેન્ડર કર્યો. જાણો આ આંકડાઓ પાછળના કારણો અને વૈશ્વિક ટ્રેન્ડ્સ વિશે.

નવી દિલ્હી, સોમવાર
વર્ષ 2024માં 2 લાખથી વધુ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે, જે છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થળાંતરનો વધતો ટ્રેન્ડ દર્શાવે છે. સંસદમાં વિદેશ રાજ્યમંત્રી કિર્તી વર્ધન સિંહે રજૂ કરેલા આંકડા અનુસાર, 2024માં 2,06,378 ભારતીયોએ પોતાનો પાસપોર્ટ સરેન્ડર કર્યો હતો. આ આંકડા સ્પષ્ટપણે સૂચવે છે કે, ભલે ભારતને વિશ્વગુરુ’ બનાવવાની વાત થતી હોય, પરંતુ મોટી સંખ્યામાં ભારતીયો વધુ સારી તકો અને જીવનશૈલીની શોધમાં દેશ છોડી રહ્યા છે.

વધતી જતી માઈગ્રેશન પેટર્ન
છેલ્લા પાંચ વર્ષ (2020-2024) દરમિયાન કુલ 8,96,843 ભારતીયોએ નાગરિકતા છોડીને પર્સન ઓફ ઈન્ડિયન ઓરિજિન’ બનવાનું પસંદ કર્યું છે. જો કોવિડ-19 મહામારી દરમિયાન આંતરરાષ્ટ્રીય પ્રવાસ પરના પ્રતિબંધો ન હોત, તો આ આંકડો કદાચ 11 લાખને પાર પહોંચી ગયો હોત. 2011થી 2014ના ગાળામાં આ આંકડો 5,04,475 હતો, જેની સરખામણીમાં છેલ્લા એક દાયકામાં આ ટ્રેન્ડમાં નોંધપાત્ર વધારો થયો છે.

સરકારના આંકડા અનુસાર, વર્ષવાર નાગરિકતા છોડનારા ભારતીયોની સંખ્યા કંઈક આ પ્રમાણે છે:
* 2020: 85,256
* 2021: 1,63,370
* 2022: 2,25,620
* 2023: 2,16,219
* 2024: 2,06,378

કારણો અને વિદેશમાં સ્થિતિ
સરકારનું કહેવું છે કે નાગરિકતા છોડવા પાછળના કારણો વ્યક્તિગત હોય છે, પરંતુ સામાન્ય રીતે આર્થિક તકો, ઉચ્ચ ગુણવત્તાનું જીવન અને વર્ક-લાઈફ બેલેન્સ જેવા પરિબળો જવાબદાર હોય છે. ઘણા ભારતીય માતા-પિતા અને તેમના સંતાનો માટે, વિદેશમાં અભ્યાસ કરીને ત્યાં જ સ્થાયી થવું એ એક મુખ્ય લક્ષ્ય બની ગયું છે. તેમને લાગે છે કે લાખોનો ખર્ચ કરીને ભારતમાં અભ્યાસ કર્યા બાદ પણ સારી નોકરીની ગેરંટી નથી, જ્યારે વિદેશમાં ઓછી મહેનતે પણ સારી જિંદગી જીવી શકાય છે.

આજે વિશ્વભરમાં લગભગ 3,43,56,193 ભારતીય મૂળના લોકો વસે છે. તેમાંથી 1,71,81,071 લોકો PIO છે, જેમણે ભારતીય નાગરિકતા છોડી દીધી છે, જ્યારે 1,71,75,122 લોકો નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRIs) છે જેઓ હજુ પણ ભારતીય પાસપોર્ટ ધરાવે છે.

વધતા પડકારો અને ભવિષ્ય
જોકે, હવે વિદેશમાં સ્થાયી થવું પહેલા જેટલું સરળ રહ્યું નથી. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો, જ્યાં ભારતીયો મોટી સંખ્યામાં રહે છે, તેઓ ઈમિગ્રેશન પોલિસીઓ કડક કરી રહ્યા છે. તેના કારણે સ્ટુડન્ટ વિઝા મેળવવા પણ મુશ્કેલ બની રહ્યા છે, જેનાથી ઘણા પરિવારો ચિંતિત છે.

આ સંજોગોમાં, ભારતીય સરકાર સ્ટુડન્ટ્સને દેશમાં જ સારી જોબ મળે તે માટે શું કરી રહી છે, તે પ્રશ્ન અગત્યનો છે. પરંતુ હાલમાં, ઘણા ભારતીય પરિવારો માટે તેમના સંતાનોનું ભવિષ્ય દેશમાં શું થશે તે ડર, તેમને ગમે તે રીતે વિદેશ મોકલવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!