તસ્કરોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં મંદિરનો પાછળનો ભાગ કેદ થતો નથી. આ સંજોગોમાં તસ્કરોએ કઈ દિશામાંથી પ્રવેશ કર્યો અને કઈ રીતે ચોરીને અંજામ આપ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

દહેગામ, રવિવાર
દહેગામના આનંદ રેસીડેન્સીમાં આવેલા શ્રી ચંદ્રપ્રભુ જૈન દેરાસરમાં મોડી રાત્રે અજાણ્યા તસ્કરોએ હાથફેરો કર્યો છે. દાનપેટી તોડીને આશરે 25,000ની રોકડ રકમ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા, જેને પગલે જૈન સમાજ અને સ્થાનિક રહીશોમાં આક્રોશ વ્યાપી ગયો છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મંદિરના પૂજારી અશોકભાઈ પ્રજાપતિએ આજે સવારે 6 વાગ્યે મંદિર ખોલવા જતાં દરવાજાનું તાળું તૂટેલું જોયું હતું. અંદર તપાસ કરતાં દાનપેટી પણ તૂટેલી હાલતમાં મળી આવી હતી અને તેમાંથી રોકડ રકમ ગાયબ હતી. તાત્કાલિક તેમણે મંદિરના ટ્રસ્ટીઓને જાણ કરી હતી.
મંદિરના ટ્રસ્ટી રોનકકુમાર શાહના જણાવ્યા અનુસાર, વર્ષ 2017માં નિર્માણ પામેલા આ મંદિરમાં શ્રદ્ધાળુઓ સ્વૈચ્છાએ દાનપેટીમાં દાન કરતા હોય છે. દર વર્ષે આ દાનની રકમ ટ્રસ્ટના ભંડોળમાં જમા કરવામાં આવે છે, જેનો ઉપયોગ ધાર્મિક અને સામાજિક કાર્યો માટે થાય છે. મંદિર સવારે 6 થી બપોરે 12:30 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે.

ચોરીની જાણ થતાં જ મંદિરના પ્રમુખ પ્રકાશભાઈ કોઠારી અને અન્ય ટ્રસ્ટીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તપાસ દરમિયાન, મંદિર નજીકના રસ્તા પરથી તૂટેલી દાનપેટી અને કેટલાક છૂટાછવાયા પૈસા મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તસ્કરો ચોરી બાદ ઉતાવળમાં નાસી છૂટ્યા હતા.
જોકે, તસ્કરોની ઓળખ કરવામાં મુશ્કેલી પડી રહી છે કારણ કે સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં મંદિરનો પાછળનો ભાગ કેદ થતો નથી. આ સંજોગોમાં તસ્કરોએ કઈ દિશામાંથી પ્રવેશ કર્યો અને કઈ રીતે ચોરીને અંજામ આપ્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

આ ઘટના અંગે દહેગામ પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે આસપાસના વિસ્તારના અન્ય CCTV ફૂટેજની તપાસ શરૂ કરી છે અને શકમંદોની પૂછપરછ પણ ચાલી રહી છે. ધાર્મિક સ્થળ પર થયેલી આ ચોરીને કારણે સ્થાનિક લોકોમાં સુરક્ષા વ્યવસ્થા અંગે ચિંતા જોવા મળી રહી છે.











