જુલાઈ 1 થી આ 5 મોટા ફેરફારો, તમારા રસોડાથી લઈને ટ્રેન પ્રવાસ સુધી કરશે અસર

દર મહિનાની પહેલી તારીખે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે, જે ઘરના રસોડાના બજેટ સાથે સીધી રીતે જોડાયેલું હોય છે.

અમદાવાદ, સોમવાર
આવતીકાલથી એટલે કે જુલાઈ મહિનાની પહેલી તારીખથી દેશભરમાં ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર તમારા ઘરના બજેટ પર, રેલવે પ્રવાસ પર અને દિલ્હીમાં વાહન ચલાવવા પર પણ જોવા મળશે. ચાલો જાણીએ આ 5 મોટા ફેરફારો વિશે વિસ્તૃતમાં.

1. LPG સિલિન્ડરના ભાવ
દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. આ ફેરફાર સીધો તમારા ઘરના રસોડાના બજેટ સાથે જોડાયેલો છે. જૂન મહિનાની શરૂઆતમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ ઘણા સમયથી સ્થિર છે. આશા છે કે આ વખતે તેમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે હવાઈ ઇંધણના ભાવમાં પણ સુધારો થઈ શકે છે, જેની અસર હવાઈ મુસાફરી પર પડશે.

2. HDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ મોંઘો થશે
જો તમે HDFC બેંકના ક્રેડિટ કાર્ડ નો ઉપયોગ કરો છો, તો 1 જુલાઈ 2025 થી તે તમારા માટે મોંઘો બનશે. બેંકના ક્રેડિટ કાર્ડ યુઝર્સને યુટિલિટી બિલ પેમેન્ટ કરવા પર એક્સ્ટ્રા ફી ચૂકવવી પડશે. આ ઉપરાંત HDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ડિજિટલ વોલેટ્સ જેમ કે Paytm, Mobikwik, FreeCharge અથવા Ola Money માં મહિનામાં 10,000થી વધુ ઉમેરવા પર 1%નો ચાર્જ લાગશે.

3. ICICI બેન્ક ATM અને IMPS ટ્રાન્સફરના ચાર્જમાં ફેરફાર
1 જુલાઈ 2025 થી ICICI બેંકના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. મેટ્રો સિટીઝમાં ICICI બેંકના ATM માંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પછી કરવામાં આવેલા કોઈપણ ઉપાડ પર 23નો ચાર્જ લાગશે. નોન-મેટ્રો શહેરોમાં આ લિમિટ 3 નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત, IMPS ટ્રાન્સફર પર નવા ચાર્જ લાગુ પડશે:

1000 સુધીના મની ટ્રાન્સફર પર 2.50 પ્રતિ ટ્રાન્ઝેક્શન.

1000થી વધુ અને 1 લાખ સુધીના ટ્રાન્સફર પર 5 રૂપિયા.

1 લાખ થી વધુ અને 5 લાખ સુધીના ટ્રાન્ઝેક્શન પર 15 રૂપિયા.

4. રેલવેના તત્કાલ ટિકિટ અને ભાડાના નિયમોમાં ફેરફાર
ભારતીય રેલવે પણ 1 જુલાઈથી ઘણા નિયમો બદલવા જઈ રહી છે.

ટ્રેન ભાડામાં વધારો: નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં 1 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો થશે, જ્યારે એસી ક્લાસમાં 2 પૈસા પ્રતિ કિલોમીટરનો વધારો કરવામાં આવશે.

500 કિલોમીટર સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસ ટ્રેન ટિકિટની કિંમતો અને MST (માસિક સિઝન ટિકિટ)માં કોઈ ફેરફાર થશે નહીં. જોકે, 500 કિલોમીટરથી વધુની મુસાફરી કરવી હોય તો મુસાફરને પ્રતિ કિલોમીટર અડધો પૈસો ચૂકવવો પડશે.

તત્કાલ ટિકિટ બુકિંગ: 1 જુલાઈ 2025થી ફક્ત આધાર-વેરિફાઈડ યુઝર્સ જ IRCTC વેબસાઇટ અથવા એપ પર તત્કાલ ટિકિટ બુક કરી શકશે.

5. દિલ્હીમાં જૂના વાહનોને ‘નો ફ્યુઅલ’
રાજધાની દિલ્હીમાં વાહન ધરાવતા લોકો માટે આ એક મહત્વપૂર્ણ ફેરફાર છે. કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ અનુસાર, 1 જુલાઈથી એન્ડ-ઓફ-લાઇફ (EOL) જૂના વાહનોને પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ આપવામાં આવશે નહીં. EOL વાહનોમાં 10 વર્ષ જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!