ભારતીય રેલવે યાત્રી સુવિધા માટે સતત પ્રયાસરત છે અને 1 જુલાઈ, 2025 થી ઘણા મોટા બદલાવો અમલમાં મૂકી રહી છે.

અમદાવાદ, સોમવાર
ભારતીય રેલવે યાત્રીઓ માટે એક મોટા સુધારાની જાહેરાત કરી છે. હવે ટ્રેન છૂટવાના માત્ર 4 કલાક પહેલા નહીં, પરંતુ 8 કલાક પહેલા રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ જશે. રેલવે બોર્ડના આ પ્રપોઝલને કેન્દ્રીય રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ એ લીલી ઝંડી આપી દીધી છે. આ નિર્ણય યાત્રીઓ માટે રાહતરૂપ સાબિત થશે, ખાસ કરીને વેઇટિંગ લિસ્ટ વાળા યાત્રીઓ માટે.
આ નિર્ણયથી શું ફરક પડશે?
અત્યાર સુધી રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના લગભગ 4 કલાક પહેલા ફાઇનલ થતો હતો. આના કારણે ઘણા યાત્રીઓને તેમની ટિકિટ કન્ફર્મ થઈ છે કે નહીં તે જાણવા માટે છેલ્લી ઘડી સુધી રાહ જોવી પડતી હતી. નવા નિયમ અનુસાર, ચાર્ટ 8 કલાક પહેલા તૈયાર થઈ જવાથી, વેઇટિંગ લિસ્ટવાળા યાત્રીઓને તેમની ટિકિટના સ્ટેટસ વિશે વહેલી જાણકારી મળી જશે. આનાથી તેમને જો ટિકિટ કન્ફર્મ ન થઈ હોય, તો પ્રવાસના અન્ય વિકલ્પો શોધવા માટે પૂરતો સમય મળશે. રેલવે મંત્રાલયને આ અંગે ઘણા પ્રપોઝલ્સ મળ્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સુધારાને તબક્કાવાર લાગુ કરવામાં આવશે.
1 જુલાઈ, 2025 થી અન્ય મોટા બદલાવ
ભારતીય રેલવે યાત્રી સુવિધા માટે સતત પ્રયાસરત છે અને 1 જુલાઈ, 2025 થી ઘણા મોટા બદલાવો અમલમાં મૂકી રહી છે.
તત્કાલ ટિકિટ બુકિંગના નિયમોમાં બદલાવ: હવે માત્ર આધાર-વેરિફાઈડ યુઝર્સ જ IRCTC વેબસાઈટ અથવા એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરી શકશે. આનાથી દલાલો અને ગેરકાયદેસર બુકિંગ પર નિયંત્રણ આવશે.
રેલવે ભાડામાં વધારો: 1 જુલાઈ, 2025 થી ટ્રેન ટિકિટના ભાડામાં પણ વધારો લાગુ પડશે.
નોન-એસી મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના ભાડામાં પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો થશે.
એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર 2 પૈસાનો વધારો થશે.
જોકે, 500 કિલોમીટર સુધીની મુસાફરી માટે સેકન્ડ ક્લાસ ટ્રેન ટિકિટની કિંમતો અને માસિક સીઝન ટિકિટ (MST) માં કોઈ બદલાવ નહીં થાય. પરંતુ, જો યાત્રી 500 કિલોમીટરથી વધુની મુસાફરી કરે છે, તો તેમને પ્રતિ કિલોમીટર અડધો પૈસો વધુ ચૂકવવો પડશે.
આ તમામ બદલાવો યાત્રીઓ માટે વધુ સુવિધાજનક અને વ્યવસ્થિત મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે, જોકે ભાડા વધારાથી કેટલાક યાત્રીઓને આર્થિક બોજ પડી શકે છે. રેલવેનો આ નિર્ણય લાંબા ગાળે યાત્રીઓને બેટર સર્વિસ આપવા માટે લેવામાં આવ્યો છે.











